દરેક માંગલિક કામ અને દેવી-દેવતાઓની પૂજા કરતાં પહેલાં ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે. એટલે, શ્રીગણેશને પ્રથમ પૂજ્ય પણ કહેવામાં આવે છે. ગ્રંથોમાં ભગવાન ગણેશના પ્રથમ પૂજ્ય હોવાના કારણ વિવિધ છે, પરંતુ બધા ગ્રંથોએ તેમને સૌથી પહેલાં પૂજવામાં આવતાં દેવતા જ કહ્યા છે. ગ્રંથોથી અલગ વ્યવહારિક પક્ષ જોવામાં આવે તો પણ ગણેશ જ પહેલાં દેવતા છે.
ગણેશ બુદ્ધિના દેવતા છે. દરેક કામના શુભારંભ પહેલાં સારી યોજના, દૂરદર્શી નિર્ણય અને કુળશ નેતૃત્વની જરૂરિયાત હોય છે. જો ગણેશજીના પહેલાં પૂજનને સાંકેતિક પણ માની લેવામાં આવે તો આ વાત સાચી છે કે દરેક કામની શરૂઆત પહેલાં બુદ્ધિનો ઉપયોગ જરૂરી છે. બુદ્ધિ આપનાર ભગવાન ગણેશ જ છે.
ગ્રંથોમાં વિવિધ કારણઃ-
લિંગ પુરાણઃ વિઘ્નોનો નાશ કરે છે એટલે સૌથી પહેલાં તેમની પૂજા થાય છે
લિંગ પુરાણ પ્રમાણે દેવતાઓએ ભગવાન શિવ પાસે રાક્ષસોના દુષ્ટકર્મમાં વિઘ્ન પેદા કરવા માટે વરદાન માંગ્યું. શિવજીએ વર આપીને દેવતાઓને સંતુષ્ટ કર્યાં. સમય આવતાં ગણેશજી પ્રકટ થયાં. દેવતાઓએ ગણેશજીની પૂજા કરી. ત્યારે ભગવાન શિવે ગણેશજીને દૈત્યોના કાર્યોમાં વિઘ્ન પેદા કરવાનો આદેશ આપ્યો. જેથી દરેક માંગલિક કાર્યો અને પૂજા-પાઠમાં નકારાત્મક શક્તિઓના વિઘ્નોથી બચવા માટે વિઘ્નેશ્વર ગણેશજીની પૂજા કરવામાં આવે છે.