આમ તો ગુજરાતમાં છેલ્લા દોઢ દાયકામાં કોઈ મોટો આતંકી હુમલો થયો નથી તેની પાછળનું કારણ ગુજરાત પોલીસની સતર્કતા, બાતમીદારોનું નેટવર્ક અને ફ્રી હેન્ડ છે. આમ છતાં 1600 કિમી લાંબો દરિયાકાંઠો ઉપરાંત પાકિસ્તાન સાથેની જમીની સરહદ અને કિચડથી ભરેલી ક્રિક ગુજરાતને આતંકવાદના મુદ્દે સતત સંવેદનશીલ બનાવી રાખે છે. આવા કુદરતી સંજોગો ઉપરાંત છેલ્લા કેટલાક દિવસથી ઉત્તર ભારતમાં વધેલા આતંકી હુમલાએ ગુજરાત પોલીસને પણ બેચેન કરી નાંખી હતી. જેના કારણે લગભગ 14 વર્ષથી બનેલી QRT ટીમને ફરી ચેતક કમાન્ડો પાસે પાંચ દિવસની ટ્રેનિંગ આપવામાં આવી છે અને આખી ટીમ રિફ્રેશ કરવામાં આવી છે. ટીમને રિફ્રેશ કરવાનો નિર્ણય રાજ્યના પોલીસ વડાએ જ લીધો હોવાનું પણ જાણવા મળે છે.
સપ્ટેમ્બર મહિનાની 23 થી 27 તારીખ દરમિયાન ગાંધીનગર ખાતેનાં ચેતક કમાન્ડોના હેડ ક્વાર્ટર ખાતે બે તબક્કામાં આ ટ્રેનિંગ આપવામાં આવી હતી. હકિકતમાં રાજ્યના ડીજીપી વિકાસ સહાયે રાજ્યમાં કાર્યરત તમામ QRT ને રિફ્રેશ કરવા, ટીમમાં યુવાન કમાન્ડોને લેવા અને નવી ટેક્નોલોજી સાથે ટ્રેઈન કરવાનો નિર્ણય કર્યો હતો. જેને લઈન આ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતુ.