સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થયેલ પેપરલીકના 35 દિવસ બાદ હજુ કોઈ પણ કાર્યવાહી કે ફરિયાદ ન થતા આજે યુથ કોંગ્રેસ અને NSUI ડેલિગેશન દ્વારા કુલપતિને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. લેખિત ફરિયાદ કરવાની માગ સાથે ઉગ્ર સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જ્યારે ફરિયાદ ન કરી શકતા સત્તાધિશોને બંગડી પહેરવા આપી અનોખો વિરોધ દર્શાવ્યો હતો. જો કે આવતીકાલે પોલીસ ફરિયાદ કરવાની યુનિવર્સિટી દ્વારા લેખિત બાહેંધરી આપવામાં આવી છે.
કોંગ્રેસના પ્રવક્તા અને વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના સત્તાધીશોને અમે આજે પેપરલીક મામલે ઉગ્ર રજુઆત કરી છે. 35 દિવસ બાદ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. માટે આજે અમારી એક સ્પષ્ટ માગણી હતી કે, કોઈ પણ સંજોગોમાં યુનિવર્સિટી આ મામલે ફરિયાદ દાખલ કરી જવાબદારો સામે કાર્યવાહી કરે. જો કોઈ સત્તાધિશો ફરિયાદ કરતા અચકાતા હોય, કોઈને ડર લાગતો હોય તો તેઓ બંગડી પહેરી લે તેવું કહી બંગડીઓ અર્પણ કરી વિરોધ નોંધાવ્યો છે. જો કે, એક કલાકની ઉગ્ર રજુઆત બાદ આવતીકાલે ફરિયાદ કરવામાં આવશે તેવી લેખિત બાહેંધરી કુલપતિ અને સત્તાધીશો દ્વારા આપવામાં આવી છે.
રોહિતસિંહ રાજપૂતે વધુમાં જણાવ્યું હતું કે, સરકારી સંસ્થાના પેપરલીક જેવી ગંભીર ઘટનામાં 35 દિવસ વીત્યા પછી કોઈ કાર્યવાહી ન થાય તો સ્વાભાવિક વિપક્ષ તરીકે વિદ્યાર્થી હિત અર્થે ઘટતું કાંઈ પણ કરવાનું જ હોય. અગાઉ કુલપતિ તેમજ પોલીસ કમિશનરને રૂબરૂ મળી રજુઆત કરી હતી. પરંતુ પોલીસ કમિશનરે પ્રત્યુત્તર આપતા ખૂબ સ્પષ્ટ કહ્યું હતું કે, યુનિવર્સિટીના સત્તાધિશો ફરિયાદ દાખલ કરવા માગતા હોય તો પોલીસ ફરિયાદ પહેલા લેવા પણ તૈયાર હતી અને અત્યારે પણ તૈયાર જ છે. કોઈ ફરિયાદી જ ના બને તો પોલીસ કઈ રીતે ફરિયાદ દાખલ કરે.