રાજકોટ સહિત રાજ્યભરમાં દિવાળીના તહેવારોને પગલે એસ.ટી. બસમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. રાજકોટ એસ.ટી. નિગમ દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન 100થી વધુ એક્સ્ટ્રા બસ દોડાવવાનું પણ આયોજન કરાયું હતું. હાલ રાજકોટથી ઉપડતી અને ઉપરના રૂટથી આવતી લાંબા રૂટની મોટાભાગની બસ હાઉસફુલ હોવાની સ્થિતિ સર્જાઈ છે. રાજકોટથી અમદાવાદ, વડોદરા, સુરત સહિતના સ્થળે જવા માટે સ્લીપર, એ.સી. સ્લીપરમાં તો ટિકિટ પણ મળવી મુશ્કેલ બની છે. જોકે એસ.ટી. નિગમ ટ્રાફિકવાળા રૂટ ઉપર એક્સ્ટ્રા સીટિંગ બસ દોડાવી રહ્યું છે.
રાજકોટ એસ.ટી. બસપોર્ટમાં હાલ મુસાફરોનો મેળો ભરાયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બસપોર્ટમાંથી ઉપડતી તમામ એસ.ટી. બસ હાઉસફુલ દોડી રહી છે. રાજકોટથી અમદાવાદ, વડોદરા, સુરત, સોમનાથ, દ્વારકા, અંબાજી સહિતના રૂટ ઉપર હરવા-ફરવા અને તીર્થસ્થળોએ જવા માટે યાત્રિકોનો સારો એવો ટ્રાફિક જોવા મળી રહ્યો છે.