રાજકોટ કે કોઇપણ મહાનગરપાલિકા હોય તેમના માટે પીવાના પાણી અને ગટરના ગંદા પાણી બંને માટે વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી હોય છે. પીવાના પાણીના પમ્પિંગ સ્ટેશનની જેમ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન બનાવીને ગંદા પાણીને અન્યત્ર ખસેડવાનું હોય છે. જોકે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની સૌથી મોટી સમસ્યા એ હોય છે કે તેને કારણે આસપાસના વિસ્તારોમાં અસહ્ય દુર્ગંધ ફેલાય છે.
આ કારણે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન હોય ત્યાં આસપાસમાં કોઇ રહેવું પણ પસંદ કરતું નથી. આવી હાલત સમગ્ર રાજ્યમાં છે તેવામાં રાજકોટ મહાનગરપાલિકાએ રાજ્યમાં પ્રથમ વખત ડ્રેનેજના ગંદા પાણીમાંથી દુર્ગંધની સમસ્યામાંથી છુટકારો મેળવવા ઓડર કંટ્રોલ યુનિટ નામની નવી મશીનરી સિસ્ટમ વિકસાવી છે જે સ્માર્ટ સિટી વિસ્તારમાં લગાવાઈ છે. ઓડર કંટ્રોલ યુનિટએ સ્માર્ટ સિટીના ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનમાં લગાવાયું છે.
આ અંગે ઈજનેરોએ જણાવ્યું હતું કે, ડ્રેનેજના પાણીમાં મિથેન, હાઈડ્રોજન સલ્ફાઈડ જેવા અનેક વાયુ હોય છે અને આ વાયુને કારણે જ દુર્ગંધ આવતી હોય છે. ઓડર કંટ્રોલ યુનિટમાં આવા વાયુઓને ન્યુટ્રલાઈઝેશન કરવા માટે વિવિધ કેમિકલનો ફુવારો કરાશે. આ પ્રક્રિયા બાદ હવા ખેંચીને કાર્બન ફિલ્ટરમાંથી પસાર કરાશે જેથી હવામાના બીજા તત્ત્વો પણ શુદ્ધ થશે અને પછી તે હવા છોડવામાં આવશે. આ કારણે કેમ્પસની બહાર પણ દુર્ગંધ આવશે નહિ. એક વખત દુર્ગંધ દૂર કરાયા બાદ આ પાણીને સુએઝ ટ્રીટેમેન્ટ પ્લાન્ટમાં મોકલી અપાશે જ્યાં પાણી પર શુદ્ધિકરણની પ્રક્રિયા કરવામાં આવશે.