જીપીએસસીએ લીધેલી સેમી ડાયરેક્ટ ભરતી પ્રક્રિયા રદ કરવા માટે ખરેખર કારણ શું હોય તેની તપાસ કરવામાં આવતા કામ ન કરતા પરફોર્મન્સ હીન સિનિયરોને પ્રમોશન આપવા તરકટ રચાયાનું બહાર આવ્યું છે. સેમી ડાયરેક્ટ ભરતીને કારણે નાણાં વિભાગને પોતાના જ કર્મચારીઓમાંથી સક્ષમ અધિકારી મળી શકે છે.
જે કર્મચારીઓ ખરેખર કામ કરવા માગે છે અને પોતાના અને અન્ય વિભાગનું જ્ઞાન ધરાવે છે તેઓ જ આ પરીક્ષામાં સફળ થઈ શકે છે. નાણા વિભાગમાં એવા ઘણા કર્મચારીઓ છે જેઓ સદંતર બિનકાર્યક્ષમ છે. જો સેમી ડાયરેક્ટ ભરતી સફળ થાય તો આવા બિનકાર્યક્ષમ કર્મચારીઓ યથાવત્ જ રહે અને તેમના બાદ ભરતી થયેલા કાર્યક્ષમ લોકો ઉચ્ચ હોદ્દા પર આવી જાય. આ પરીક્ષા જાહેર થઈ ત્યારથી જ આવા અનેક બિનકાર્યક્ષમ કર્મચારીઓના પેટમાં તેલ રેડાયું હતું.