રોકાણકારો હવે હોલિડે મૂડમાંથી બહાર આવતા તેની અસર માર્કેટ સેન્ટિમેન્ટ પર જોવા મળી રહી છે અને ભારતીય શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેલેન્ડર વર્ષ 2025માં ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થયા બાદ આજે નવા સપ્તાહના પ્રથમ દિવસે બીએસઈ સેન્સેક્સ સુધારા તરફી ખૂલ્યા બાદ અંદાજીત 1200 પોઈન્ટ તેમજ નિફ્ટી ફ્યુચરમાં પણ 350 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો હતો. શેરબજારમાં મોટા કડાકાનું એક કારણ ચીનમાં નવા વાયરસની શરૂઆત પણ છે. ચીનમાં કોરનાની જેમ ચેપી HMPV વાયરસ ફેલાઈ રહ્યો છે. જેનો કેસ કર્ણાટક અને ગુજરાતમાંથી પણ મળ્યો છે. જેથી રોકાણકારો હાલ સાવચેતીનું વલણ અપનાવતાં જોવા મળી રહ્યા છે.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સ અને યુએસ યીલ્ડ સતત તેજી સાથે આગેકૂચ કરી રહ્યા છે. જેની સામે રૂપિયો 5 પૈસા તૂટી 85.84ની વધુ નવી રેકોર્ડ તળિયે ટ્રેડ થઈ રહ્યો છે. વિદેશી રોકાણકારો પણ જ્યાં સુધી ડોલર ઈન્ડેક્સ અને યુએસ યીલ્ડમાં તેજી સ્થિર નહીં થાય ત્યાં સુધી વેચવાલી નોંધાવે તેવી શક્યતા જોવાઈ રહી છે.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 2.44% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 3.17% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર યુટીલીટીઝ, પાવર, સર્વિસીસ, ઓઈલ એન્ડ ગેસ, મેટલ, રિયલ્ટી અને એનર્જી શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4245 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 3474 અને વધનારની સંખ્યા 656 રહી હતી, 115 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 6 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 6 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટાઈટન કંપની લિ. 0.60%, એચસીએલ ટેકનોલોજી 0.26% અને સન ફાર્મા 0.01% વધ્યા હતા, જયારે ટાટા સ્ટીલ 4.41%, એનટીપીસી લી. 3.65%, કોટક બેન્ક 3.26%, પાવર ગ્રીડ કોર્પોરેશન 3.19%, ઝોમેટો લિ. 2.95%, અદાણી પોર્ટ 2.86%, ઇન્ડસઇન્ડ બેન્ક 2.85%, એશિયન પેઈન્ટ્સ 2.83%, આઈટીસી લી. 2.75%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 2.65% અને મહિન્દ્રા & મહિન્દ્રા 2.58% ઘટ્યા હતા.