ગોંડલના આશાપુરા ચોકડી નજીક રેલવેના પુલ પરથી નીચે પડી જતા શ્રમિક યુવાનનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. બનાવ અંગે બી-ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
આણંદ જિલ્લાનાં ખંભાત તાલુકાના આનંદપુરા બામણીયા રહેતા અંબાલાલ કનુભાઈ સોલંકી રાત્રિના આશાપુરા ચોકડી પાસે આવેલા રેલવેના પુલ પરથી પસાર થતી સમયે અકસ્માતે પડી જતા ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. અંબાલાલ ખંભાતથી ટ્રાન્સપોર્ટના ટ્રકમાં ક્લીનર તરીકે ગોંડલ ડુંગળી ભરવા આવ્યા હતા. ત્યારે ટ્રક ડ્રાઈવર તેના ભાઈ રાજુભાઇ તથા અંબાલાલ બન્ને આશાપુરા ચોકડી પાસે આવેલી ટ્રાન્સપોર્ટની ઓફીસે રાત્રિના સુતા હતા. તે દરમિયાન રાત્રે ઉંઘ નહીં આવતા નજીકનાં મુખી પંપ પાસેની હોટલે ગયા હતા. ત્યાંથી રેલવેનાં પાટા પરથી પરત ફરતી સમયે પુલ નીચે પડી જતા તેનું મોત નીપજ્યું હતું. સવારે તેના ભાઈ રાજુભાઇએ અંબાલાલની શોધખોળ કરી પોલીસમાં જાણ કરી હતી. દરમિયાન તેનો મૃતદેહ પુલ નીચેથી મળી આવ્યો હતો. અંબાલાલને સંતાનમાં બે દીકરીઓ અને એક દીકરો હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના બાવકુભાઇ ખાચરે તપાસ હાથ ધરી છે.