નર્મદા નદી અને અરબી સમુદ્રના સંગમ સ્થળ પર આવેલાં આલિયાબેટમાં ભરતીના પાણીમાં 30થી વધારે લોકો ફસાયાં હોવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહયો છે. ચાર દિવસ પહેલાં બનેલી ઘટનામાં મંદિરમાં ફસાયેલા તમામ લોકોને બચાવી લેવામાં સફળતા મળી છે.
કેવડીયા સ્થિત નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહેલાં પાણી તથા પુનમની ભરતીના કારણે નર્મદા નદીના જળસ્તરમાં અચાનક વધારો થયો હતો. આવી પરિસ્થિતિમાં આલિયાબેટ પાસે આવેલાં બિલિયાઇ માતાજીના મંદિરે દર્શન માટે ગયેલાં 30 જેટલા શ્રધ્ધાળુઓ પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાઇ ગયાં હતાં. મંદિરની આસપાસ પાણીનો પ્રવાહ વધતાં પહેલાં કેટલાક શ્રધ્ધાળુઓ સલામત રીતે બહાર નીકળી આવ્યાં હતાં પણ કેટલાક શ્રધ્ધાળુઓ ફસાઇ જવાથી તેમની હાલત કફોડી બની હતી.
તેમને લગભગ 36 કલાક જેટલો સમય મંદિરના પરિસરમાં જ જીવના જોખમ વચ્ચે વીતાવવાની ફરજ પડી હતી. રક્ષાબંધનના બીજા દિવસે બનેલી ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહયો છે. મંદિરના પરિસરમાં ફસાયેલાં લોકોએ હાંસોટ પોલીસની પણ મદદ માગી હતી પણ આલિયાબેટ તથા આસપાસના સ્થાનિક માછીમારોએ બોટ સાથે પહોંચી જઇ તમામને બચાવી લીધાં હતાં. વાયરલ થયેલાં વીડીયો અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચાર દિવસ પહેલા આવી ઘટના બની હતી પણ તમામ લોકોને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યાં હતાં.