સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 8 જુદા જુદા ભવનમાં 12 જેટલા આસિસ્ટન્ટ પ્રોફેસરોની કાયમી ભરતી સત્તાધીશોએ ઝડપથી પૂર્ણ કરી સિલેક્શન પણ કરી લીધું છે. 27થી 29 માર્ચ સુધી ઇન્ટરવ્યૂ પ્રક્રિયા ચાલી હતી ત્યારબાદ 29મીએ સવારે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા પૂર્ણ થઇ અને સાંજે જ તાકીદે સિન્ડિકેટની મિટિંગ કુલપતિએ બોલાવી માર્કના બંધ કવર ખોલીને જુદા જુદા ભવનમાં લાયક ઉમેદવારોની પસંદગી કરી હતી. કેટલાક ઉમેદવારોને તો સવારે ઇન્ટરવ્યૂ હતા અને સાંજે તેમની પસંદગી થઇ ગઈ તેવી સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ 2019માં જાહેરાત બહાર પાડેલી આ ભરતી છેલ્લા ત્રણ-ત્રણ વર્ષથી થઇ શકી ન હતી અંતે ત્રણ દિવસ સુધી ઇન્ટરવ્યૂ લેવાયા બાદ એકપણ દિવસનો વિલંબ કર્યા વિના બુધવારે સાંજે સિન્ડિકેટની મિટિંગમાં ઉમેદવારોનું ફાઈનલ સિલેક્શન કરી દેવાયું હતું.
આ ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં મહત્ત્વની બાબત એ રહી હતી કે, ઉમેદવારોનો એકેડેમિક સ્કોર ઊંચો હોય તો પણ ઇન્ટરવ્યૂમાં તે કામ લાગ્યો ન હતો. ઇન્ટરવ્યૂના ગુણના આધારે જ સિલેક્શન કરાયું હોવાની સર્જાઈ હતી. કારણ કે કેટલાક ઉમેદવારોનો એકેડેમિક સ્કોર સૌથી વધુ હતો છતાં તેઓ પસંદગી પામ્યા ન હતા અને કેટલાક ઉમેદવારોનો એકેડેમિક સ્કોર સૌથી નીચો હોવા છતાં તેમની પસંદગી થઇ હતી. કેટલાક ભવનમાં ઉમેદવારની પસંદગીમાં ભલામણ ચાલી હતી તો કેટલાક ભવનમાં નક્કી કરાયેલા ઉમેદવારને પસંદ કરવા ગોઠવણ તો કરી હતી પરંતુ અંતે તે વિખાઇ ગઈ હતી. બાબાસાહેબ આંબેડકર ચેરમાં રિસર્ચ ઓફિસરની ભરતીમાં કુલપતિની કોલેજના પ્રિન્સિપાલની પસંદગી થઇ છે.