સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જુદા જુદા 29 ભવનમાં 40થી વધુ અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો ભણાવવામાં આવે છે. આગામી શૈક્ષણિક વર્ષ 2023-24 માટે જુદી જુદી 13 ફેકલ્ટીના પીજીના કોર્સમાં પ્રવેશ લેવા માટેની પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે. અનુસ્નાતક કક્ષાએ જુદા જુદા કોર્સમાં પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. 16 મેથી શરૂ થયેલી પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ 3 જૂન સુધી ઓનલાઈન અરજી કરી શકશે ત્યારબાદ મેરિટ જાહેર કરવામાં આવશે જેના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે.
એમ.એ., એમ.કોમ., એમએસસી, એલએલએમ, એમ.એલઆઈબી, એમએસડબ્લ્યુ, એમ.એડ., એમ.પીએડ., એમજેએમસી, પીજીડીસીસી, પીજીડીએમસી, પીજીડીએચએમ સહિતના કોર્સમાં વિદ્યાર્થીઓ પ્રવેશ લઇ શકશે. અનુસ્નાતક કોર્સમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં સેન્ટ્રલ લાઇબ્રેરી, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે અલગ હોસ્ટેલની સુવિધા, સ્પોર્ટ્સ, જિમ અને લેબોરેટરીની સુવિધાનો લાભ મળશે. 13 ફેકલ્ટીના 40 થી વધુ જુદા-જુદા કોર્સમાં 1944 જેટલી ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાયનાન્સ બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં મેરિટના આધારે એડમિશન અપાશે.