દેશભરમાં 800થી વધુ લોકો પાસેથી 111 કરોડ પડાવી લેવાનું રેકેટ મોટા વરાછાના પાનના ગલ્લા પરથી શરૂ થયું હતું. પછી દુબઇમાં તેને હબ બનાવવામાં આવ્યું હતું. ત્યાંથી દેશભરના અલગ-અલગ રાજ્યોના લોકોને રોકાણની લાલચ આપી શિકાર બનાવવામાં આવતા હતા. શરૂઆતમાં ગ્રાહકોને આકર્ષવા માટે 50 હજારનું રોકાણ કરાવી 20 હજારનો પ્રોફિટ આપતા હતા. આ મળે એટલે ગ્રાહક આકર્ષાતા હતા અને પછી 1 લાખ, 5 લાખ અને 8 લાખ સુધી રોકાણ કરાવતા. 5ના 8 લાખ કરી આપી પછી શરત મુકતા કે આ નાણા ઉપાડવા હોય તો 25થી 40 લાખ સુધી રોકાણ કરો. અગાઉ રોકાણના નાણા પ્રોફિટમાં મળતા હોવાથી મોટી રકમ પણ લોકો રોકાણ કરી દેતા આ પછી તે નાણા અલગ-અલગ બેંક ખાતામાંથી ઉપાડી લઇ ફ્રોડ કરતા હોવાનું તપાસમાં ખુલ્યું હતું. ઉલ્લેખનીય છે કે મોટા વરાછા, કાપોદ્રા, સરથાણા સહિતના વિસ્તારોમાં પાનના ગલ્લાઓ પર બિડી-સિગારેટ કે પાન મસાલા ખાવા આવતા મજૂરોની સાથે આરોપીઓ મિત્રતા કરી તેમને કમિશન આપી બેંક એકાઉન્ટ ભાડે રાખી તેમાં ફ્રોડના નાણા જમા કરાવતા હતા.
બોગસ ડોક્યુમેન્ટના આધારે બોગસ નામે એકાઉન્ટ ખોલીને તેમજ બોગસ નામે સીમકાર્ડ ખરીદવાના ગુનાનો માસ્ટર માઈન્ડ કેતન મગન વેકરીયા છે. વર્ષ 2022માં પણ ક્રાઈમ બ્રાંચમાં છેતરપિંડીની એક ફરિયાદ નોંધાઈ હતી. તેમાં કેતન મગન વેકરીયા આરોપી હતો. ત્યારબાદ 22-23 ઓક્ટોબર 2024 ના રોજ કેતન વેકરીયા નવસારીથી મોટા વરાછા તરફ જતો હતો ત્યારે લજામણી ચોકથી આગળની ગલીમાં પોલીસે તેને આંતર્યો હતો.ત્યારે કેતન વેકરીયાને પોલીસે પકડી લીધો હતો.પરંતુ તે સમયે પોલીસને ધક્કો મારીને કેતન નાસી ગયો હતો. તેને પકડવા માટે પોલીસે તેનો પીછો પણ કર્યો હતો પરંતુ તે હાથમાં આવ્યો નહતો. ત્યાર બાદ સાઈબર ક્રાઈમમાં જે 11210062240060-2024ની ફરિયાદ નોંધાઈ તેમાં કેતન વેકરિયાને વોન્ટેડ બતાવ્યો છે.ડીસીપી બી.પી.રોજીયાએ જણાવ્યું હતું કે આરોપી કેતન વેકરીયા પોલીસના હાથમાંથી નાસી ગયો હતો.