બુધવારે રાત્રે રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર મિસાઇલો અને ડ્રોનથી હુમલો કર્યો. આ હુમલામાં ઓછામાં ઓછા 8 લોકો માર્યા ગયા હતા, જ્યારે 70 થી વધુ લોકો ઘાયલ થયા હતા. છેલ્લા 9 મહિનામાં યુક્રેનની રાજધાની પર આ સૌથી મોટો હુમલો છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલાના પરિણામે ઘણી ઇમારતોમાં આગ લાગી હતી. 42 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં 6 બાળકોનો પણ સમાવેશ થાય છે. કેટલાક લોકો હજુ પણ કાટમાળમાં ફસાયેલા છે; તેમને બચાવવા માટે બચાવ કામગીરી ચાલુ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયાએ યુક્રેન પર 70 મિસાઇલો અને 145 ડ્રોનથી હુમલો કર્યો, જેનું મુખ્ય લક્ષ્ય રાજધાની કિવ હતું. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી કહે છે કે આ હુમલાનો હેતુ અમેરિકા પર દબાણ લાવવાનો હતો.