વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને કોવિડ-19 સંબંધિત પડકારો છતાં ભારતીય કેમિકલ ઉદ્યોગ વર્ષ 2025 સુધીમાં 9.3 ટકાની સીએજીઆર વૃદ્ધિ કરશે તેવો અંદાજ છે. સ્પેશિયાલિટી કેમિકલ્સ માર્કેટ વર્ષ 2020-25 દરમિયાન વાર્ષિક 12 ટકાની વૃદ્ધિ સાથે વધુ સારું પ્રદર્શન કરશે તેવો અંદાજ નિષ્ણાંતોએ વ્યક્ત કર્યો છે.
ભારતીય કેમિકલ ઉદ્યોગે છેલ્લાં એક દાયકામાં જબરદસ્ત વૃદ્ધિ સાધી છે તથા નીચા માથાદીઠ વપરાશ, વસતી વિષયક લાભો, ઇમ્પોર્ટ સબસ્ટિટ્યૂશન, નિકાસ માગમાં વધારો અને સરકારી નીતિઓ અને પહેલોને સક્ષમ કરવા જેવાં બહુવિધ પરિબળોથી આગામી એક દાયકામાં પણ વૃદ્ધિને વેગ મળવાની અપેક્ષા છે. વૈશ્વિક બહુરાષ્ટ્રીય કંપનીઓએ અપનાવેલી ચાઇના પ્લસ વન રણનીતિ અને સતત રોકાણથી પણ વૃદ્ધિને બળ મળશે, તેવો ઉલ્લેખ અગ્રણી રિસર્ચ કંપનીએના તાજેતરના અહેવાલમાં કરાયો હતો.
આનંદ દેસાઇ કે જેઓ કોન્ફેડેરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ)ના ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરમેન પણ છે, તેમણે ઉમેર્યું હતું કે, નિષ્ણાંતોના મત અનુસાર વૈશ્વિક કેમિકલ ઉદ્યોગ સારું પ્રદર્શન કરી રહ્યો છે ત્યારે ભારતીય કંપનીઓએ તેમની તુલનામાં વધુ સારું પ્રદર્શન કર્યું છે તથા વિપરિત સંજોગોમાં પણ શેરધારકોને ઊંચું વળતર આપ્યું છે.
વર્ષ 2025 સુધીમાં રૂ. 8 લાખ કરોડના જંગી રોકાણની અપેક્ષા છે, જે વિકાસને વધુ વેગ આપશે. કેમિકલ્સ માર્કેટ વર્ષ 2020ના 70 અબજ ડોલરના સ્તરેથી 12 ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે 2025 સુધીમાં 120 અબજ ડોલરે પહોંચવાનો અંદાજ છે.આ કંપનીઓએ નાણાકીય વર્ષ 2013-22 દરમિયાન આવકોમાં વાર્ષિક 14 ટકા સીઓજીઆર અને પ્રોફિટ આફ્ટર ટેક્સમાં 15 ટકા વૃદ્ધિ હાંસલ કરી છે.