અમદાવાદના બોપલમાં 10 નવેમ્બરે કાર ધીમી ચલાવવાની ટકોર કરવા જેવી નજીવી બાબતે MICAના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની છરીના ઘા મારી હત્યા કરાઈ હતી. આ કેસમાં પોલીસે આરોપી વિરેન્દ્રસિંહ પઢેરિયાને પંજાબથી ઝડપી પાડ્યો હતો. જોકે, આ આરોપીને પકડવાનો પોલીસ માટે એક મોટો પડકાર હતો કેમ કે આરોપી ખુદ પોલીસકર્મચારી હતો. પરંતુ આરોપીને ઝડપી પાડવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક ટીમ તૈયાર કરી હતી. આ ટીમ ઓપરેશન કઈ રીતે પાર પાડશે તેની આખી સ્ટ્રેટરજી તૈયાર કરાઈ હતી. આખરે આરોપીને ઝડપી પાડી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બોપલ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલી નાખ્યો છે.
બોપલમાં હત્યા થયા બાદ પોલીસ આરોપીને પકડવા માટે સીસીટીવી તપાસી રહી હતી. આ દરમિયાન પોલીસ બોપલના એક એપાર્ટમેન્ટના ગેટ સુધી પહોંચી અને ત્યાર બાદ કડી મળતી બંધ થઈ ગઈ હતી. જોકે, પોલીસ ધીમે ધીમે તપાસ કરી રહી હતી પરંતુ આ દરમિયાન ગાડીની ભાડ મળવી પણ બંધ થઈ ગઈ હતી, ત્યારે પોલીસે આ એપાર્ટમેન્ટની લિફ્ટના સીસીટીવી તપાસવાનું શરૂ કર્યું હતું. લિફ્ટના CCTVમાં એક વ્યક્તિ જતો જોવા મળ્યો હતો અને તે ચાકુ પોતાના પેન્ટના પાછળના ભાગે છુપાવી રહ્યો હતો. આ CCTV ફૂટેજના આધારે પોલીસે તપાસ કરી તો તે પોલીસવાળો જ નીકળ્યો એટલે કે તે વિરેન્દ્રસિંહ પઢેરિયા હતો.