લોકો મધ્ય પૂર્વના દેશોમાં ડ્યુટી-ફ્રી દુકાનોમાંથી સોનું અને કિંમતી ઝવેરાત ખરીદવાનું પસંદ કરે છે. પરંતુ હવે કદાચ તેઓ ભારતીય સ્ટોર્સમાંથી સોનું ખરીદવા માટે પૈસા બચાવી શકે છે. કારણ એ છે કે ઓમાન, યુએઈ, કતાર અને સિંગાપુર જેવા દેશોની સરખામણીએ ભારતમાં સોનું હવે 4% સસ્તું થઈ ગયું છે. તાજેતરના સમયમાં સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
સ્થાનિક બુલિયન માર્કેટમાં 24 કૅરેટ સોનાની કિંમત 30 ઓક્ટોબરે રૂ. 79,581 પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરે હતી. છેલ્લા 18 દિવસમાં તે રૂ. 5,842 (7.34%) ઘટીને રૂ. 73,739 પ્રતિ 10 ગ્રામ થઈ ગઇ છે. બીજી તરફ ઓમાનમાં 24 કૅરેટ સોનાની કિંમત રૂ.75,763, યુએઈમાં રૂ.76,204, કતારમાં રૂ.76,293 અને સિંગાપુરમાં રૂ. 76,805 પ્રતિ 10 ગ્રામ છે.
વાસ્તવમાં મધ્ય પૂર્વમાં ભૌગોલિક રાજકીય તણાવને કારણે સોનાના ભાવ વધી રહ્યા છે. યુદ્ધ કે અનિશ્ચિતતા વચ્ચે સુરક્ષિત રોકાણ માટે સોના અને ચાંદીની માગ વધી રહી છે. જેના કારણે ભાવમાં વધારો થયો છે. બીજી તરફ ભારતીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.