મણિપુરમાં 3 મહિલાઓ અને 3 બાળકોના મૃતદેહ મળ્યા બાદ હિંસક વિરોધ પ્રદર્શન ચાલુ છે. દરમિયાન રાજ્યમાં ભાજપ સરકારનો હિસ્સો ધરાવતી નેશનલ પીપલ્સ પાર્ટીએ સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી છે. એનપીપીના 60 સભ્યોની મણિપુર વિધાનસભામાં 7 સભ્યો છે, જેઓ ભાજપ સરકારને ટેકો આપી રહ્યા હતા. ભાજપ પાસે 32 સભ્યો છે, જ્યારે બહુમતીનો આંકડો 31 છે. આવી સ્થિતિમાં સરકારને હાલ કોઈ ખતરો નથી.
આ પહેલા ગૃહમંત્રી અમિત શાહ નાગપુરમાં ચાર રેલીઓ રદ કરીને દિલ્હી પરત ફર્યા છે. તેઓ રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને લઈને બેઠક કરશે. તે જ સમયે, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના વડા અનીશ દયાલને પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મોકલવામાં આવી રહ્યા છે.
દરમિયાન, રાજ્ય સરકારે કેન્દ્રને આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA) પાછો ખેંચી લેવા જણાવ્યું છે. હિંસાને કારણે, કેન્દ્ર સરકારે 14 નવેમ્બરે ઇમ્ફાલ પશ્ચિમ, ઇમ્ફાલ પૂર્વ, જીરીબામ, કાંગપોકપી અને બિષ્ણુપુર જિલ્લાના સેકમાઇ, લમસાંગ, લમલાઇ, જીરીબામ, લીમાખોંગ અને મોઇરાંગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં AFSPA લાગુ કરી હતી.
16 નવેમ્બરે સીએમ એન બિરેન સિંહ અને 10 ધારાસભ્યોના ઘરો પર હુમલો કરવામાં આવ્યો હતો. બગડતી સ્થિતિને જોતા 5 જિલ્લામાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે અને 7 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.