રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા વિવિધ તહેવારો માટેની સ્પેશિયલ ટ્રીપો દોડાવવામાં આવતી હોય છે. જેનો લાભ મોટી સંખ્યામાં મુસાફરો લેતા હોય છે. હાલમાં દિવાળી દરમિયાન પણ એસ.ટી. વિભાગે ફરવાનાં સ્થળોએ અનેક વધારાની ટ્રીપો દોડાવતા સારી આવક થઈ હતી. બાદમાં હવે જૂનાગઢની લીલી પરિક્રમા દરમિયાન દોડાવવામાં આવેલી વધારાની 350 ટ્રીપોનો પણ 34 હજારથી વધુ મુસાફરોએ લાભ લીધો હતો. જેને પગલે એસ.ટી.ને કુલ રૂ. 19 લાખની વધારાની આવક થઈ છે.
રાજકોટ એસ.ટી. વિભાગીય નિયામક જે.બી. કલોતરાએ જણાવ્યું હતું કે, ‘ગિરનાર પર્વત પર યોજાતી લીલી પરિક્રમાનો રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓમાં અનેરો મહિમા રહેલો છે. જેથી યાત્રાળુઓને જૂનાગઢ જવા માટે કોઈ તકલીફ ન પડે તેના માટે રેગ્યુલરની સાથે 50 એકસ્ટ્રા બસનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં 50 જેટલા મુસાફરો થતાની સાથે તરત બસ ઉપાડી લેવામાં આવતી હતી. તા.11થી 14 નવેમ્બર સુધી આ એકસ્ટ્રા સંચાલનમાં કુલ 350 ટ્રીપ દોડાવવામાં આવી હતી.