ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ડોમેસ્ટિક ક્રિકેટને કડક રીતે રમવાના નિર્ણયનું સમર્થન કર્યું છે. ભારતને પહેલો વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટને શુક્રવારે કહ્યું કે, વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ન મળવાથી જો ખેલાડીઓને નુકસાન થશે, તો પછી તેમ થવા દો, કારણ કે દેશથી મોટું કોઈ નથી.
65 વર્ષીય ભૂતપૂર્વ ઓલરાઉન્ડરે કહ્યું કે રણજી ટ્રોફી જેવી પ્રથમ શ્રેણીની ટુર્નામેન્ટને બચાવવા માટે આ જરૂરી પગલું છે. BCCIએ 2 દિવસ પહેલા જારી કરાયેલા વાર્ષિક કરારમાંથી એવા ક્રિકેટરોને બાકાત રાખ્યા હતા, જેઓ ડોમેસ્ટિક ક્રિકેટ છોડીને IPLની તૈયારી કરી રહ્યા હતા. જેમાં શ્રેયસ અય્યર અને ઈશાન કિશન જેવા નામ સામેલ છે.
કપિલે કહ્યું- દેશથી મોટું કોઈ નથી
કપિલ દેવે કહ્યું- 'આ ખૂબ જ સારો નિર્ણય છે. હું BCCIને ઘરેલુ ક્રિકેટની સ્થિતિ બચાવવા માટે જરૂરી પગલાં લેવા બદલ અભિનંદન આપું છું. મને એ જોઈને દુઃખ થયું કે એક વખત ખેલાડીઓએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની જાતને સ્થાપિત કરી લીધી, પછી તેમણે ડોમેસ્ટિક ક્રિકેટમાં ભાગ લેવાનું બંધ કરી દીધું.
શ્રેયસ રણજી ક્વાર્ટર ફાઈનલ રમ્યો નહોતો
ODI વર્લ્ડ કપમાં 530 રન બનાવ્યા બાદ શ્રેયસ અય્યરે ટીમ માટે દક્ષિણ આફ્રિકા શ્રેણી પણ રમી હતી. તેને ફરીથી અફઘાનિસ્તાન શ્રેણીનો ભાગ બનાવવામાં આવ્યો ન હતો, જે દરમિયાન તેણે મુંબઈ સામે રણજી મેચ રમી હતી. ત્યારબાદ શ્રેયસને ઇંગ્લેન્ડ સામેની પ્રથમ 2 ટેસ્ટમાં તક મળી હતી પરંતુ ખરાબ ફોર્મના કારણે તેને છેલ્લી 3 ટેસ્ટમાંથી બહાર કરવામાં આવ્યો હતો.
ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ શ્રેયસે મુંબઈ સામે રણજી ટ્રોફીના ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ અને ક્વાર્ટર ફાઈનલ રમી ન હતી. મુંબઈ ક્રિકેટ એસોસિયેશન (MCA)એ કહ્યું કે તે ઈજાગ્રસ્ત છે, જ્યારે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)એ તેને સંપૂર્ણ રીતે ફિટ જાહેર કર્યો છે. આ સમય દરમિયાન, અય્યરે IPL ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સના ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લીધો હતો.