ઉદ્યોગપતિ અને બિઝનેસ ટાયકૂન ગૌતમ અદાણી ફરી એકવાર ચર્ચામાં છે. તેમના પર એવો આરોપ છે કે તેમણે ભારતમાં સૌર ઊર્જા પ્રોજેક્ટ્સ માટે કોન્ટ્રેક્ટ જીતવા માટે ભારતીય અધિકારીઓને આશરે ₹2,250 કરોડ ($265 મિલિયન)ની લાંચની ઓફર કરી હતી. એ પછી અદાણી જૂથે આ પ્રોજેક્ટ્સ માટે અમેરિકન રોકાણકારો પાસેથી ભંડોળ એકત્ર કર્યું. એવો પણ આરોપ છે કે અદાણી ગ્રુપે રોકાણકારોને લાંચ અને ભ્રષ્ટાચાર વિશે માહિતી આપી ન હતી. આ પ્રોજેક્ટ્સથી 20 વર્ષમાં જૂથ માટે અંદાજે $2 બિલિયનનો નફો થવાની અપેક્ષા હતી.
અમેરિકામાં અદાણી સામે છેતરપિંડી અને લાંચ આપવાના આરોપો સામે આવ્યા બાદ કોંગ્રેસે કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અદાણીની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ, પરંતુ તેમની ન તો ધરપકડ કરવામાં આવશે અને ન તો તેમની તપાસ કરવામાં આવશે. એક મુખ્યમંત્રી 10-15 કરોડના આરોપમાં જેલમાં જાય છે, પરંતુ અદાણીજી 2 હજાર કરોડનું કૌભાંડ કરે છે અને કંઈ થતું નથી. રાહુલે કહ્યું હતું કે સરકાર અદાણીની સાથે છે. તેમણે આ મામલે જેપીસી તપાસની માગ કરી હતી. રાહુલે કહ્યું, આ મુદ્દો સંસદમાં ઉઠાવશે. દરમિયાન બીજેપી નેતા અમિત માલવિયાએ કહ્યું હતું કે કોઈની સામે પ્રતિક્રિયા આપતાં પહેલાં વાંચવું હંમેશાં સારું છે. જ્યાં સુધી તેઓ દોષિત સાબિત ન થાય ત્યાં સુધી તેઓ નિર્દોષ છે.