રાજકોટથી દિલ્હી જઈ રહેલી ટ્રેન નં. 20913 રાજકોટ-દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસમાં ગુડગાંવ-રેવારી પાસે આગ લાગતા યાત્રિકોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા. આગ લાગતા અને કોચમાં ધુમાડો થતાં જ ટ્રેનમાં રહેલા ઈલેક્ટ્રિક સ્ટાફે તાત્કાલિક ફાયરના સાધનોથી આગ બુઝાવી દીધી હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. પરંતુ ફર્સ્ટ ક્લાસ એ.સી કોચમાં કોઈ યાત્રિકે સિગારેટ ફૂંકીને કચરાપેટીમાં નાખી દેતા તેમાંથી આગ ભભૂકી હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગવાથી કચરાપેટી અને તેની આસપાસની જગ્યા બળી ગઈ હતી. આગ લાગવાની ઘટના બનતા જ ટ્રેનને ગુડગાંવ-રેવારી પાસે તાત્કાલિક રોકાવી દીધી હતી. ટ્રેનમાં હાજર ઈલેક્ટ્રિક સ્ટાફે આગ બુઝાવી પરિસ્થિતિ કાબૂમાં લીધા બાદ ટ્રેન ફરી દિલ્હી જવા રવાના થઇ હતી.
ટ્રેન નં.20913ના એચ-1 એસી કોચમાં કોઈ મુસાફરે સિગારેટ ફુંકાતા આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે. રેલવે તંત્રની સતર્કતાથી આગને કાબૂમાં લઈ મોટો બ્લાસ્ટ થતા અટકાવતા મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો. ત્યાર બાદ કોચમાંથી ધુમાડો દૂર કરી ટ્રેનને દિલ્હી જવા પ્રસ્થાન કરાવાયું હતું. રેલવે સ્ટાફની સતર્કતાના લીધે મોટી દુર્ઘટના સહજમાં ટળી હતી સાથે એક પેસેન્જરની બેદરકારી સામે પ્રવાસીઓએ નારાજગી વ્યકત કરી હતી. જો કે આ સમગ્ર ઘટનામાં કોઈ યાત્રિકને ઈજા થઇ ન હતી પરંતુ આખા કોચમાં ધુમાડાના ગોટા ફેલાઈ જતા યાત્રિકોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા. લોકો પાયલટને પણ ઘટનાની જાણ થતા ટ્રેન તાત્કાલિક થંભાવી દીધી હતી. ટ્રેનમાં હાજર ઈલેક્ટ્રિક સ્ટાફે આગ બુઝાવી પરિસ્થિતિ કાબૂમાં લીધા બાદ ટ્રેન ફરી દિલ્હી જવા રવાના થઇ હતી.