બાંગ્લાદેશમાં હિન્દુઓ પર દમનનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. સમ્મિલિત સનાતની જાગરણ જોતના પ્રવક્તા ચિન્મય પ્રભુની કોર્ટમાં સુનાવણી દરમિયાન ભડકેલી હિંસામાં વકીલ સૈફુલના મોત બાદ ચટગાંવમાં પોલીસે ધરપકડ અભિયાન શરૂ કર્યું છે. મોડી રાત્રે હિન્દુ બહુમતીવાળા હજારીલેન અને કોતવાલી વિસ્તારમાં 30 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી 6 પર વકીલની હત્યા જ્યારે બાકીના લોકો પર તોડફોડ અને હિંસા ભડકાવવાનો આરોપ લાગ્યો છે. પોલીસ કાર્યવાહીથી હિન્દુ વસાહતોમાં ડરનો માહોલ છે.
આ દરમિયાન, બાંગ્લાદેશ હાઈકોર્ટમાં બુધવારે ઈસ્કોન પર પ્રતિબંધ મૂકવાની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી. તેની પર સુનાવણી દરમિયાન એટોર્ની જનરલ અસદ્દુજમાંએ કહ્યું, ‘ઈસ્કોન એક રજિસ્ટર્ડ સંસ્થા છે. સરકાર ઈસ્કોનની પ્રવૃત્તિઓ વિશે પહેલાથી તપાસ કરી રહી છે. કોઈ પણ સંસ્થા કાયદો-વ્યવસ્થા ઉલ્લંઘનની દોષી પુરવાર થાય છે તો તેને ચોક્કસપણે પ્રતિબંધિત કરવી જોઈએ.’ હાઈકોર્ટની બેન્ચે ઈસ્કોનની પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃત રિપોર્ટ ગુરૂવારે રજૂ કરવાનો આદેશ કર્યો છે. નોંધનીય છે કે, 5 ઓગસ્ટે શેખ હસીના સરકારના પતન બાદ હિન્દુઓ પર હુમલાઓ અને મંદિરોમાં તોડફોડના 200 મામલા નોંધાયા હતા. અન્ય અનેક ઘટનાઓના કેસ નોંધાયા જ નહીં.