Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઈરાનમાં હિજાબ વિરોધી આંદોલન સતત ઉગ્ર થઈ રહ્યું છે. બીજી તરફ, સરકાર આંદોલનમાં સામેલ લોકોને ભારે યાતનાઓ આપી રહી છે. સુરક્ષા દળો એ બાળકોને પણ પકડી રહ્યા છે, જે આ આંદોલનમાં ભાગ લઈ ચૂક્યા છે. ઈરાની અધિકારીઓના મતે, આંદોલનકારીઓની ઉંમર સરેરાશ 15 વર્ષ છે. આ આંકડો કહે છે કે, યુવાનોની સાથે કિશોરોએ પણ આ આંદોલનમાં આક્રમકતાથી ભાગ લીધો છે.


હાલમાં જ પોલીસે અનેક કોલેજ-સ્કૂલોમાં મોટી સંખ્યામાં કિશોરોની અટકાયત કરી હતી. બાદમાં પોલીસે તેમને યાતનાઓ આપી અને તેમના માતા-પિતા પર દબાણ કર્યું કે, તમારા સંતાનોને આંદોલન નહીં કરવા સમજાવી લો. જો તેઓ આંદોલન કરશે તો અત્યંત ખરાબ પરિણામો ભોગવવા પડશે. બીજી તરફ, માનવાધિકાર સંસ્થાઓનો દાવો છે કે, હિજાબ વિરોધી આંદોલનમાં અત્યાર સુદી 50 કિશોરના મોત થયા છે, જ્યારે એક હજાર સગીરો અટકાયતમાં છે. તેમને પોલીસ દ્વારા ભારે યાતનાઓ અપાઈ રહી છે.

ગેરબંધારણીય આદેશ હેઠળ બાળકોનું દમન
ઈરાની માનવાધિકાર વકીલ હોસૈન રઇસી દ્વારા શેર કરાયેલા ઓડિયો મેસેજમાં એક અધિકારીએ કહ્યું કે, સરકારે એક સિક્રેટ આદેશ જારી કર્યો છે. તેમાં કહેવાયું છે કે, સગીરો સાથે સંકળાયેલા મામલા સુરક્ષા અને ગુપ્તચર નિષ્ણાતો દ્વારા હેન્ડલ કરાય, પરંતુ જોગવાઈ એવી છે કે, સગીરોને જુવેનાઇલ ડિટેન્શન સેન્ટરમાં જ મોકલી શકાય. તેમની પૂછપરછનો અધિકાર ફણ ફક્ત તાલીમ પામેલા જજોને જ હોય છે.

અટકાયતમાં કિશોરોનું બ્રેઇનવૉશ કરાય છે
યુનાઇટેડ નેશન્સનું કહેવું છે કે, અત્યાર સુધી આશરે 14 હજારથી વધુ આંદોલનકારીની ધરપકડ કરાઈ છે. અટકાયતમાં લેવાયેલા કિશોરોને ધર્મગુુરુઓ અને મનોવિજ્ઞાનીઓની દેખરેખમાં રખાયા છે. તેમને એવું માનવા મજબૂર કરાઈ રહ્યા છે કે, તેમણે વિરોધ કરીને મોટું પાપ કર્યું છે. આ માટે તેમણે ખેદ પ્રગટ કરવો જોઈએ અને પોતાનો ગુનો કબૂલ કરી લેવો જોઈએ. અનેક બાળકોને તો માનસિક રોગોને લગતી દવાઓ પણ અપાઈ રહી છે.