રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ પ્રકારનાં ટેક્સ વસૂલવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી મિલકત અને પાણીવેરા માટે કડક કાર્યવાહી કરાતી હતી. જોકે, ચાલુ વર્ષે પ્રોફેશનલ ટેક્સ મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મનપાએ વ્યવસાય વેરો નહીં ભરનારા હજારો વેપારીઓને નોટિસ ફટકારી છે. તેમજ 1500 કરતા વધુ મિલકતો પ્રોપર્ટીનાં નંબરની સાથે લિંકઅપ કરવામાં આવી છે. જેને પગલે કુલ 35 કરોડનાં ટાર્ગેટ સામે અત્યાર સુધીમાં 21.50 કરોડની વ્યવસાય વેરાની આવક થઈ છે.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ વસુલાત શાખાએ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન વ્યવસ્યાવેરાનો 35 કરોડનો ટાર્ગેટ પુરો કરવા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અને લાંબા સમયથી વ્યવસાય વેરો નહીં ભરનારા 95,529 વેપારીઓ અને વેપારી પેઢીઓને જપ્તીની નોટિસ આપવામાં આવી છે. આવી જ રીતે 1520 પેઢીઓને પ્રોપર્ટી ટેક્સ નંબર સાથે લિંકઅપ કરવામાં આવી છે. મહાનગરપાલિકાની કડક કાર્યવાહીને કારણે અત્યાર સુધીમાં 21.50 કરોડનો વ્યવસાય વેરો વસુલાયો છે.