અમેરિકી મધ્યસત્રની ચૂંટણીના પરિણામોમાં રિપબ્લિકન પાર્ટીના અત્યંત સામાન્ય દેખાવથી પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અકળાયા છે. ટ્રમ્પની ભલામણવાળા અનેક મોટા નેતા પેનસિલ્વેનિયા, ઓહિયો અને જ્યોર્જિયા જેવા મહત્ત્વપૂર્ણ રાજ્યોમાં સેનેટની ચૂંટણી હારી ગયા હતા.
ટ્રમ્પને આશા હતી કે રિપબ્લિકન પાર્ટીના સારા પ્રદર્શન પછી તે 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે પોતાની દાવેદારી મજબૂત રીતે રજૂ કરી શકશે.હાલ મોટાભાગના મોડરેટ રિપબ્લિકન જીતી રહ્યા છે. પોતાની દાવેદારી પર ખતરો જોઈને ટ્રમ્પ પાર્ટીના મજબૂત હરીફોને જાહેરમાં ધમકાવી રહ્યા છે. ફ્લોરિડાથી ગવર્નરની ચૂંટણી જીતેલા રૉન ડીસેન્ટિસને ટ્રમ્પે કહ્યું કે તે રાષ્ટ્રપતિ પદની દાવેદારી વિશે વિચારે પણ નહીં. હું તેમના વિશે એવી વાતો જાણો છું, જે જાહેર થશે તો રોનની મુશ્કેલી વધી જશે.
પરિણામથી બંને પાર્ટીમાં નવા દાવેદારો સામે આવ્યા ફ્લોરિડાથી રિપબ્લિકન ગવર્નર રોન ડીસેન્ટિસ બીજી વખત ચૂંટણી જીત્યા છે. ટ્રમ્પે ડીસેન્ટિસના નામની ઉમેદવાર તરીકે ભલામણ નહોતી કરી. યુવા અને કોલેજ શિક્ષણ મેળવેલા 63% રિપબ્લિકન મતદારો ડીસેન્ટિસને ટ્રમ્પનો વિકલ્પ માને છે.
કેલિફોર્નિયાથી ડેમોક્રેટિક પાર્ટીના ગવર્નર ગેવિન ન્યુસોમ પર ફરી ચૂંટણી જીતી ગયા છે. ન્યુસોમ ડેમોક્રેટિક પાર્ટી વતી 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બાઈડેનનો વિકલ્પ મનાય છે. તેમને 61 ટકા ડેમોક્રેટિક મતદારોનું સમર્થન છે.
ગર્ભપાત અંગે બાઈડેનને સમર્થન, મોંઘવારી મુદ્દે નિષ્ક્રિય
એવું મનાતું હતું કે વધતી મોંઘવારી મુદ્દે રાષ્ટ્રપતિ બાઈડેન પ્રત્યે સામાન્ય નાગરિકોમાં રોષ છે પણ અત્યાર સુધીના પરિણામોથી લાગે છે કે તેની મતદારો પર અસર થઇ નથી. સુપ્રીમકોર્ટ દ્વારા ગર્ભપાતના અધિકારો પાછા ખેંચવાના નિર્ણય વિરુદ્ધ બાઈડેનના સ્ટેન્ડને પણ સામાન્ય મતદારોએ સમર્થન આપ્યું છે.