દેશમાં સરકારી વિભાગોમાં કામ મેળવવાથી લઈને પેમેન્ટ સુધીની પ્રક્રિયામાં વ્યવસાયીક એકમો કે કંપનીઓને લાંચ આપવી પડે છે. નામ જાહેર ન કરવાની શરતે 66 ટકા કંપનીઓએ એવું જણાવ્યું છે કે તેમણે છેલ્લા 12 મહિનામાં વિવિધ સરકારી, અર્ધ-સરકારી વિભાગોમાં લાંચ આપી છે. લોકલસર્કલ્સ દ્વારા દેશના 159 જિલ્લાની 9000 કંપનીના 18 હજાર પ્રતિનિધિઓ સાથે હાથ ધરેલા સરેવમાં સામે આવ્યું છે કે, 54 ટકાને લાંચ આપવા મજબૂર કરાયા, જ્યારે 46 ટકાએ સમયસર પ્રક્રિયા હાથ ધરાય એ માટે લાંચ આપી. સૌથી વધુ 75 ટકા લાંચ આપવાનું પ્રમાણ લીગલ, મેટ્રોલોજી, ફુડ, ડ્રગ, હેલ્થ વિભાગમાં હોવાનું સરવેમાં સામે આવ્યું છે.
‘ઈન્ડિયા બિઝનેસ કરપ્શન સરવે 2024’ રિપોર્ટ મુજબ, 83 ટકા લાંચ રોકડરૂપે આપવામાં આવી છે જ્યારે 17 ભેટ-સોગાતરૂપે આપવામાં આવી છે. માત્ર 19 ટકા વ્યવસાયીકોએ જણાવ્યું છે કે તેમને લાંચ આપવાની જરૂર નથી પડી. નોંધનીય છે કે, 72 ટકાએ જણાવ્યું છે કે તેમણે સરકારી અધિકારીઓને લાંચ આપી છે, જ્યારે 51 ટકાએ જાહેર સાહસોના અધિકારીઓ અને 28 ટકાએ પ્રાઇવેટ કંપનીઓના અધિકારીઓને લાંચ આપી છે.