15મી ઓગસ્ટને લઈને સમગ્ર દેશમાં મેરી મિટ્ટી મેરા દેશ ઝુંબેશ શરૂ થઈ રહી છે. ગુજરાતમાં આ ઝુંબેશ મારી માટી મારા દેશના અનુસંધાને 9મીએથી શરૂ થવાનો છે. જેમાં દરેક ગામમાંથી માટી એકઠી કરીને તાલુકા અને પછી જિલ્લા કક્ષા અને રાજ્યકક્ષાએ પહોંચાડી દિલ્હી મોકલાવાશે. આ ઉપરાંત શહેરી વિસ્તારમાં પણ કાર્યક્રમો થશે જેને લઈને બેઠકોનો દોર શરૂ થયો છે.
આ કાર્યક્રમમાં માત્ર માટી આપવાની જ નહીં પણ પાંચ મુખ્ય મુદ્દાઓ પર આખી ઝુંબેશ થશે. અમૃત સરોવર અને જળાશયો પર પથ્થરની તક્તી મુકાશે જેમાં સ્થાનિક શહીદવીરોના નામ લખાશે. પંચ પ્રણપ્રતિજ્ઞા એટલે કે વિકસિત ભારતનું લક્ષ્ય, ગુલામીની માનસિકતામાંથી સ્વતંત્રતા, દેશના સમૃધ્ધ વારસાનુ ગર્વ અને સંરક્ષણ, દેશની એકતા અને એકસૂત્રતા, ફરજ અને જવાબદારીની ભાવનાની પ્રતિજ્ઞા લેવામાં આવશે. દરેક પંચાયત ઓછામાં ઓછા 75 છોડનું વાવેતર કરશે.