રાજકોટમાં લોકો અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ નિહાળીને અભિતૂત થયા છે. શહેરના અનેક સ્થળ પર મનપા દ્વારા લાઈવ પ્રસારણ માટે આયોજન કરવામાં આવ્યું હતું. સનાતન ધર્મ રક્ષક સમિતિએ રાજકોટના વિરાણી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે મિનિ અયોધ્યા ઊભું કર્યું હતું. આ મિનિ અયોધ્યામાં ભગવાન રામ તેમજ હનુમાનજીનાં 28 ફૂટના કટઆઉટ મૂકવામાં આવ્યા હતાં. તેમજ 150 ફૂટનાં સ્ટેજ પર રામમંદિરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી, ત્યારે આજે શહેરમાં રામમયીના મહોત્સવને લઈ બાળકોમાં વધુ ખુશી જોવા મળી હતી. નાના ભૂલકાઓ રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજી સહિતના વેશ ધારણ કરીને ઉત્સવ મનાવી રહ્યા હતા. તેમજ કથાકાર રમેશ ઓઝાએ કાલાવડ રોડ પર બ્રિજનું નામકરણ કરી રામ ઉત્સવને લઈ મહત્વની વાત કરી હતી. બીજી તરફ સમગ્ર રાજકોટમાં રામ મહોત્સવ શાંતિ પૂર્ણ પસાર થાય તે માટે પોલીસ જવાનો સવારથી બંદોબસ્તમાં આવી ગયા હતા.
રામનગરી અયોધ્યામાં 500 વર્ષ પછી આધ્યાત્મિક, ઐતિહાસીક, અલૌકીક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા ભવ્ય રામમંદીરમાં ભગવાન શ્રી રામચંદ્રજીની ગર્ભગૃહના અભિષેક અને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જે અંતર્ગત રાજકોટની મધ્યસ્થ જેલના સર્વ ધર્મના તમામ બંદીવાન ભાઇઓ-બહેનોએ પણ ખુબ જ ઉત્સાહ અને ઉલ્લાસથી ભાગ લીધો હતો. આજના પવિત્ર અવસરના ભાગીદાર થઇ કેદીઓ દ્વારા રામ ધુન, ભજન તેમજ જય શ્રીરામનાં નારા લગાવવમાં આવ્યા હતા. જેને લઈ સમગ્ર જેલ પ્રાંગણ ભક્તીમય બન્યું હતું. આ કાર્યક્રમાં જેલના તમામ બંદીવાન ભાઇઓ તથા બહેનોએ શ્રીરામ ભગવાનના દર્શનનો લાભ લીધો હતો. આ તકે અયોધ્યા નગરીમાં ઉજવવામાં આવતા કાર્યક્રમનુ જેલના તમામ યાર્ડ-બેરેકમાં લાઇવ પ્રસારણ કરવાની સાથે મહાપ્રસાદનુ આયોજન પણ સેન્ટ્રલ જેલમાં કરાયું હતું.