સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટથી રોજ ઉપડતી અને દેશના અલગ-અલગ રાજ્યોમાં જતી ટ્રેનમાં લગભગ દરરોજ 166 સુધીનું વેઈટિંગ હોય છે. આ બાબતે રજૂઆત થયા બાદ અમદાવાદ રેલવે સ્ટેશન પર 20 કલાકથી વધુ પડી રહેતી અને બહારના રાજ્યમાં જતી 6 ટ્રેન રાજકોટ સુધી લંબાવવાની 14 મહિના પહેલા કેન્દ્રના મંત્રીએ જાહેરાત કરી હતી. ત્યારે રાજકોટને વધુ ટ્રેન મળશે અને વધુ લોકો સસ્તી મુસાફરી કરશે તેવું સૌને લાગી રહ્યું હતું.
જો કે, આ આશા હજુ સુધી તો ઠગારી જ નીવડી છે. બીજીબાજુ સૌરાષ્ટ્રમાંથી વર્ષે 50 હજાર જેટલા પ્રવાસીઓ વિદેશ જાય છે. રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ તો બનાવાયું પણ અગાઉ જે જાહેરાત કરાય તે મુજબ ઈન્ટરનેશનલ એક પણ ફ્લાઈટ શરૂ કરાય નથી. આથી વિદેશ જનારા લોકોને અમદાવાદ સુધીનો આર્થિક ખર્ચ કરવો પડે છે. અને સમયનો પણ વ્યય થાય છે.