રાજકોટમાં શિક્ષકના ત્રાસની વધુ એક ઘટના સામે આવી છે. બે મહિના પહેલા જ લોધીકાના મોટાવડા ગામે સરકારી માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ-11ના વિદ્યાર્થીઓ ત્રણ શિક્ષકોના ત્રાસથી વીડિયો જાહેર કરી આપઘાત કરી લીધો હતો. જે ઘટનામાં આચાર્ય હાલ જેલમાં છે ત્યારે હવે રાજકોટ શહેરની નામાંકિત RKC સ્કૂલના શિક્ષક ડૉ. અજય ઝાલાએ ધોરણ-6ના વિદ્યાર્થીને બેરહેમીથી માર માર્યો હતો. જેને લીધે વિદ્યાર્થીના વાંસા પર ચાંભા પડી ગયા હતા. જોકે, આ ઘટના બાદ શાળા દ્વારા શિક્ષકને ઘરે મોકલી દેવામાં આવ્યો છે અને સમગ્ર પ્રકરણમાં તપાસ શરૂ કરવામાં આવી છે, આવતીકાલે તપાસ પૂર્ણ થતા જ શિક્ષક જવાબદાર હશે તો તેની સામે સસ્પેન્શન સહિતના આકરા પગલાં લેવાશે.
સંચાલકે વાલીને પોલીસ ફરિયાદ કરતા અટકાવ્યા પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરની નામાંકિત RKC સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક અઢી લાખ સુધીની ફી લઇ ભણાવવામાં આવે છે ત્યારે આ શાળા ફરી એક વખત વિવાદમાં આવી છે અહીંના ગણિતના શિક્ષક ડૉ. અજય ઝાલા આજે પોતાના ક્લાસમાં ધોરણ-6ના વિદ્યાર્થીઓને ભણાવતા હતા. આ દરમિયાન તોફાન કરતા એક વિદ્યાર્થીને વાંસાના ભાગે ફૂટપટ્ટીથી ફટકાર્યો હોવાનુ જાણવા મળી રહ્યું છે. જોકે, ક્લાસમાં વિદ્યાર્થી ડરી ગયો હોવાથી શિક્ષકનો કોઈ પ્રતિકાર કર્યો ન હતો. બાદમા આ વિદ્યાર્થી ઘરે પહોંચ્યો ત્યારે વાલીનું ઘ્યાન પહોંચતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. જેથી વાલી શાળા પર પહોંચ્યા હતા અને પોલિસ ફરિયાદ દાખલ કરવા જવાના હતા. જોકે શાળા સંચાલકો દ્વારા વાલીને અટકાવવામાં આવ્યા હતા.