ચોર ગઠિયાઓ ઓપરેશન પાર પાડવા માટે અવનવા ખેલ કરતાં હોય છે. આવી જ વધુ એક ઘટના બની હતી. કરણપરામાં યુવક સાથે અકસ્માત કરી અકસ્માત કરનાર બાઇકચાલક ઇજાગ્રસ્તને રિક્ષામાં હોસ્પિટલે લઇ જવા નીકળ્યો હતો. રસ્તામાં રિક્ષા ધીમે પડતાં જ ઇજાગ્રસ્તની ડોક પર ઝોંટ મારી તેણે પહેરેલો 16 ગ્રામનો સોનાનો ચેઇન આંચકી અકસ્માત કરનાર શખ્સ નાસી ગયો હતો. ચીલઝડપની ઘટના અંગે કરણપરામાં રહેતા અને સોનીકામ કરતા રાજસ્થાની વેણુગોપાલ શ્યામલાલભાઇ સોની (ઉ.વ.52)એ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વેણુગોપાલભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.14ના પોતે તથા તેનો પુત્ર પ્રિયાંશ (ઉ.વ.20) ખરીદી કરવા જવા માટે પોતાના ઘરેથી બાઇક પર નીકળ્યા હતા અને ઘરથી થોડે દૂર પહોંચ્યા હતા ત્યારે કેવડાવાડી તરફથી ટ્રિપલસવારી બાઇક ધસી આવ્યું હતું અને બાઇકચાલકે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં વેણુગોપાલ અને તેનો પુત્ર બાઇક પરથી ફંગોળાયા હતા. પ્રિયાંશને ઇજા થઇ નહોતી પરંતુ વેણુગોપાલને પગમાં ઇજા થઇ હતી.
અકસ્માત બાદ અકસ્માત સર્જનાર બાઇકચાલકે વેણુગોપાલને થયેલી ઇજામાં હોસ્પિટલનો ખર્ચ આપશે તેવી વાત કરી હતી. અકસ્માત સર્જનાર બાઇકચાલકના સાથીદારો રિક્ષા લઇ આવ્યા હતા અને તેમાં વેણુગોપાલ, તેનો પુત્ર પ્રિયાંશ તથા અકસ્માત કરનાર બાઇકચાલક બેઠા હતા અને જી.ટી.શેઠ હોસ્પિટલે જવા નીકળ્યા હતા.