લાંચિયા કર્મચારીઓ અને અધિકારીઓ નાણાં માટે સામાન્ય અરજદારો તો ઠીક સરકારી કર્મચારીઓને પણ છોડતા નથી, શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગનો સિનિયર ક્લાર્ક રૂ.5 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો, શિક્ષણ વિભાગના અધિકારીને ક્વાટર્સના મુદ્દે જરૂરી પ્રમાણપત્ર આપવાના બદલામાં લાંચ માગી હતી.
રાજકોટ શહેરમાં રહેતા શિક્ષણ વિભાગના અધિકારીએ સરકારી ક્વાટર્સ મેળવવા માટે કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગમાં પાંચ મહિના પહેલા અરજી કરી હતી, આ અરજી કચેરીના સિનિયર ક્લાર્ક રવિ રાજુ મજેઠિયા પાસે આવી હતી, રવિ મજેઠિયાએ ક્વાટર્સ ફાળવણી બાબતે અવારનવાર અલગ-અલગ બહાના કાઢ્યા હતા અને પાંચ મહિનાનો સમય વિતાવી દીધો હતો. ક્વાટર્સ નહીં મળતાં શિક્ષણ વિભાગના આ અધિકારીને નિયમ મુજબ ભાડાની રકમ મળવાપાત્ર હતી અને આ માટે તેમણે ઉપરોક્ત કચેરીમાંથી ક્વાટર્સ ઉપલબ્ધ નહીં હોવા અંગેનું પ્રમાણપત્ર મેળવવાનું હતું અને તે પ્રમાણપત્ર પોતાના વિભાગમાં રજૂ થયે તેમને ભાડાની રકમ મળી શકે.
આ પ્રમાણપત્ર આપવાના બદલામાં સિનિયર ક્લાર્ક રવિ રાજુ મજેઠિયાઅે રૂ.5 હજારની લાંચ માગી હતી, પોતે સરકારી કર્મચારી હોવા છતાં સરકારના જ વિભાગમાં કામ માટે લાંચ આપવી પડશે તેવી વાતથી આ અધિકારી સમસમી ગયા હતા અને તેમણે લાંચ રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કર્યો હતો.