સોનાની દાણચોરીના ગંભીર કેસમાં આરોપી રાન્યા રાવની જામીન અરજી સ્પેશિયલ કોર્ટે ફગાવી દીધી છે. જજ વિશ્વનાથ સી ગોવદારે આરોપોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ચુકાદો સંભળાવ્યો. હવે રાન્યાના વકીલ સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરવાની તૈયારી કરી રહ્યા છે.
કર્ણાટક સોનાની દાણચોરીના કેસમાં, કન્નડ અભિનેત્રી રાન્યા રાવે દુબઈ એરપોર્ટ પર મળેલા માણસના દેખાવનો ખુલાસો કર્યો છે. આ વ્યક્તિએ જ તેણીને સોનું આપ્યું હતું, જેના સાથે તેણીની બેંગલુરુ કેમ્પાગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી.
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા પૂછપરછ દરમિયાન, 33 વર્ષીય અભિનેત્રીએ કહ્યું કે તેને એક ઇન્ટરનેટ કોલ આવ્યો હતો. દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 3ના ગેટ A પર ડાઇનિંગ લાઉન્જમાં એસ્પ્રેસો મશીન પાસે એક માણસને મળવા માટે કોલ પર તેને સૂચના આપવામાં આવી હતી.
તેણીને કહેવામાં આવ્યું કે તે જે માણસને મળવાની હતી તેણે અરબી ડ્રેસ પહેર્યો હતો. રાન્યા રાવે કહ્યું કે તે જે માણસને મળી હતી તે સારી કદકાઠીનો હતો. તે 6 ફૂટથી વધુ ઊંચો હતો. તેનું ઉચ્ચારણ આફ્રિકન-અમેરિકન જેવું હતું અને તેનો રંગ ઘઉંવર્ણ હતો.
રાન્યા કહ્યું કે જ્યારે તે એ માણસને મળી ત્યારે તેમની વચ્ચે ખૂબ જ ટૂંકી વાતચીત થઈ. આ પછી તે માણસે જાડા પ્લાસ્ટિકમાં લપેટેલા બે પેકેટ આપ્યા, જેમાં સોનું હતું. રાન્યાએ દાવો કર્યો હતો કે આ પહેલીવાર હતું જ્યારે તે સોનાની દાણચોરી કરી રહી હતી.