શહેર સુંદર અને આકર્ષક બને તેવા હેતુથી ચિત્રનગરીના કલાકારો શહેરના અલગ અલગ વિસ્તારમાં દીવાલો પર ચિત્ર બનાવી લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે. રવિવારે પોપટપરા વિસ્તારમાં આવેલી રાજકોટ મધ્યસ્થ જેલની દીવાલના બહારના ભાગે આ કલાકારોએ અલગ અલગ સંદેશા આપતા ચિત્ર બનાવ્યા હતા. સાયબર ફ્રોડના કિસ્સા વધી રહ્યા છે ત્યારે લોકો સાયબર ફ્રોડ સામે જાગૃત થાય તે થીમ પર મહત્તમ ચિત્ર બનાવવામાં આવ્યા હતા.
રાજકોટ મધ્યસ્થ જેલ નજીકથી પોપટપરા, રેલનગર સહિતના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં દરરોજ પસાર થાય છે, અહીંથી પસાર થતાં લોકોની નજર જેલની દીવાલ પર પડે ત્યારે તેમને કંઇક માહિતી મળે તેવા હેતુથી આ દીવાલ પર ચિત્ર કરવાનો નિર્ણય જેલના અધિક્ષક રાઘવ જૈન અને તેમની ટીમે કર્યો હતો અને આ કામ ચિત્રનગરીના જીતુભાઇ કોટેચાને સોંપવામાં આવ્યું હતું.