રાજકોટ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન દ્વારા તાલુકામાં તળાવ ઊંડા ઉતારવા તેમજ ચેકડેમમાંથી કાંપ કાઢવાની કામગીરી શરૂ કરાઈ છે જેમાં હાલ કુલ 122 કામો શરૂ કરવામાં આવ્યા છે. ચોમાસા પહેલા આ કામગીરી પૂર્ણ કરવાની હોય હાલ ગ્રામ વિસ્તારોમાં તળાવો અને ચેકડેમ ઊંડા ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે.
જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવો ઉંડા ઉતારવા, ચેકડેમમાંથી કાંપ કાઢવો, ચેકડેમ ઉંડા ઉતરવા સહિતના કામો કરવામાં આવે છે. જળસંચયનો વ્યાપ વધારવા, ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવા સહિતના હેતુ સાથે આ યોજના શરૂ કરવામાં આવી હતી. રાજકોટમાં 3 ચેકડેમ અને 5 તળાવ ઉંડા ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પડધરીમાં 6 તળાવ, ધોરાજીમાં 5 તળાવ, જામકંડોરણામાં 3 તળાવ, જસદણમાં 7 ચેકડેમ અને 42 તળાવ, વીંછિયામાં 3 ચેકડેમ અને 33 તળાવ, ગોંડલમાં 8 જ્યારે જેતપુરમાં 4 તળાવ ઊંડા ઉતારાશે.