BCCIએ વર્ષની શરૂઆતમાં જ મુંબઈમાં રિવ્યૂ મિટિંગ યોજી હતી. તેમાં કેપ્ટન રોહિત શર્મા, હેડ કોચ રાહુલ દ્રવિડ, NCA ચીફ વીવીએસ લક્ષ્મણ, BCCIના અધ્યક્ષ રોજર બિન્ની, સેક્રેટરી જય શાહ અને પૂર્વ ચીફ સિલેક્ટર ચેતન શર્માએ હાજરી આપી હતી. આ મિટિંગમાં એશિયા કપ અને T20 વર્લ્ડ કપમાં મળેલી હારના કારણો પર ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે 2023માં યોજાનાર વન-ડે વર્લ્ડ કપ માટે પણ 20 પ્લેયર્સને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા.
ન્યૂઝ એજન્સી ANI પ્રમાણે, 20 ખેલાડીઓ 2023 વન-ડે વર્લ્ડ કપ માટે શોર્ટલિસ્ટ થયા છે. વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયામાં સિલેક્ટ કરીને વર્લ્ડ કપ માટે અજમાવવામાં આવશે. તેમાંથી વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમ તૈયાર કરવામાં આવશે. ટીમ ઈન્ડિયા વન-ડે વર્લ્ડ કપ પહેલા 5 સિરીઝ રમશે. કુલ 3-3 મેચ રમાશે. 50 ઓવરનો એશિયા કપ પણ રમાશે.
20 ખેલાડીઓ પોતાની જાતને સાબિત કરવા માટે 15થી વધુ વન-ડે મેચ રમશે. આ વખતે આખો વન-ડે વર્લ્ડ કપ ભારતમાંજ રમાશે. તેનું આયોજન ઓક્ટોબર-નવેમ્બર વચ્ચે કરવામાં આવશે. જોકે, શોર્ટલિસ્ટ કરાયેલા 20 ખેલાડીઓના નામ હજુ જાહેર કરવામાં આવ્યા નથી.