53 વર્ષ પહેલાં કારમા પરાજય પછી બાંગ્લાદેશ (તે સમયનું પાકિસ્તાન)થી પાછી વળેલાં પાકિસ્તાનના સૈન્યનો પુન:પ્રવેશ થઈ રહ્યો છે. પાક. આર્મીના મૅજર જનરલ રેન્કના અધિકારીના નેતૃત્વમાં એક સ્પેશિયલ ટીમ બાંગ્લાદેશની આર્મીને તાલીમ આપશે. સૂત્રોના કહેવા પ્રમાણે ફેબ્રુઆરીથી તાલીમ શરૂ થશે. પહેલા તબક્કાની તાલીમ બાંગ્લાદેશના મેમનશાહી કેન્ટમાં આર્મી ટ્રેનિંગ એન્ડ ડૉક્ટ્રિન કમાન્ડ (એટીડીસી) વડી કચેરીમાં અપાશે. એક વર્ષ સુધી ચાલનારા પહેલા તબક્કા પછી બાંગ્લાદેશ આર્મીની તમામ 10 કમાન્ડમાં પણ પાકિસ્તાનની આર્મી તાલીમ આપશે.
પાકિસ્તાની આર્મીના જોઇન્ટ ચીફ ઑફ સ્ટાફ કમિટીના ચૅરમૅન જનરલ સાહિર શમશાદ મિરઝાને નવેમ્બરમાં તાલીમ માટેનો પ્રસ્તાવ મોકલાયો હતો, એ જાણવા મળ્યું છે. બાંગ્લાદેશ આર્મી ચીફ જનરલ વકાર-ઉજ-જમાને પ્રસ્તાવ સ્વીકારીને પાક. આર્મીને ઔપચારિક નિમંત્રણ પણ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ પીએમ શેખ હસીનાએ 5 ઑગસ્ટે ઢાકા છોડ્યું, એ પછી આર્મી ચીફ વકારના નિર્દેશને પગલે બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર રચાઈ હતી.