નાનામવા રોડ પર સ્પિડવેલ પાર્ટી પ્લોટ પાસેની સીતાજી ટાઉનશિપમાં રહેતો ચિરાગ ભગવાનભાઇ વાઘેલા (ઉ.વ.26) ગુરૂવારે સાંજે પોતાનું બાઇક ચલાવીને લોધિકા તરફ જઇ રહ્યો હતો અને પાળ ગામના બેઠા પુલ પર પહોંચ્યો હતો ત્યારે ભારે વરસાદને કારણે પુલ પરથી પાણી વહી રહ્યા હતા, અનેક લોકો પુલના કિનારે અટકી ગયા હતા, પરંતુ ટ્રક અને સ્કૂલ બસ સહિતના વાહનો પુલ પરથી પસાર થતા હતા તે વખતે ચિરાગે પણ પોતાનું બાઇક આગળ હંકાર્યું હતું અને પુલના સામેના છેડે પહોંચે તે પૂર્વે જ પાણીના પ્રવાહમાં તે બાઇક સાથે તણાયો હતો.
જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ દોડી ગઇ હતી અને પાણીમાં ગરક થઇ ગયેલા ચિરાગની શોધખોળ શરૂ કરવામાં આવી હતી, શુક્રવારે સવારે કણકોટ પુલ નજીક પોપટભાઇની વાડી નજીકથી ચિરાગ વાઘેલાનો મૃતદેહ મળી આવ્યો હતો, આ અંગેની જાણ થતાં લોધિકા પોલીસ સ્ટેશનના જમાદાર ગોપાલભાઇ સહિતની ટીમ દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.