રાજકોટ શહેરની માધાપર ચોકડીએ નેક્ષસ બિલ્ડિંગમાં માર્ગ અને મકાન વિભાગ, રૂડા અને મનપાના નિયમોનો ઉલાળિયો કરી ગેરકાયદે બાંધકામ કર્યા છે અને અગિયાર વખત પ્લાન રિવિઝનમાં મૂકવામાં આવ્યા છે. આમ છતાં બિલ્ડિંગની બહાર ગેરકાયદે લોખંડની સીડીનું બાંધકામ ફરી ચાલુ કરાયું છે. જેને હવે અટકાવાયું છે. આ મામલે તપાસ કરતા બહાર આવ્યું છે કે, પૂર્વ સીએફઓ ઈલેશ ખેર દ્વારા 1-4-2023ના રોજ ફાયર એનઓસી ઈસ્યૂ કર્યું હતું. જોકે હવે બહાર આવ્યું છે કે, ફાયર એક્ઝિટ જ ન હતું અને હવે તે મામલો ઢંકાય જાય તે માટે ગેરકાયદે સીડી બનાવવા મનપાના જ અધિકારીએ જ સલાહ આપી છે.
ફાયર એનઓસીની અરજી આવે એટલે જે તે સ્ટેશન ફાયર ઓફિસર જતા હોય છે પણ નેક્ષસ બિલ્ડિંગ દ્વારા અરજી કરાઈ ત્યારે ખુદ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર જ ગયા હતા અને સાઈટ વિઝિટ બાદ ફાયર એનઓસી પણ આપી દીધું હતું. જોકે ત્યારબાદ નિયમો વધુ આકરા બન્યા હતા પણ અગાઉથી જ એનઓસી હોવાથી નેક્ષસ બિલ્ડિંગના બાકિર સહિતના ભાગીદારો ચિંતામુક્ત હતા.