અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં નવા વર્ષની પાર્ટી ઉજવી રહેલા લોકો પર પિકઅપ વાહન ચઢાવવાની ઘટનામાં ખુલાસો થયો છે. અરબી મૂળના આતંકી શમસુદ્દીન જબ્બાર હ્યુસ્ટનમાં જે મુસ્લિમ પ્રવાસી વિસ્તારમાં રહેતો હતો ત્યાંની મસ્જિદના પાકિસ્તાની મૌલવીએ તેનું બ્રેન વૉશ કર્યું હતું. સૂત્રો અનુસાર મસ્જિદ બિલાલના આ મૌલવીએ જબ્બારને આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથે જોડાવા કહ્યું હતું. બીજી તરફ, આ ઘટનામાં મૃતકોની સંખ્યા 15 થઈ ગઈ છે. 10 ઈજાગ્રસ્તોની હાલત ગંભીર છે. આતંકી જબ્બારના ભાઈ અબ્દુરે પોલીસને જણાવ્યું કે તેના ભાઈને ગેરમાર્ગે દોરવામાં આવ્યો હતો.
જબ્બાર મસ્જિદથી થોડા અંતરે ટ્રેલર પાર્કમાં રહેતો હતો. પડોશીઓ અનુસાર શાંત દેખાતો જબ્બાર છેલ્લા થોડા દિવસોથી મસ્જિદમાં ઘણો સમય પસાર કરવા લાગ્યો હતો. તે 2007થી 2015 સુધી અમેરિકન સેનામાં રહી ચૂક્યો હતો. ઘટના બાદ એફબીઆઈએ હ્યુસ્ટનમાં અનેક સ્થળે દરોડા પાડ્યા. જબ્બારના ટ્રેલરમાંથી આઈએસઆઈએસ સાથે જોડાયેલાં પુસ્તકો પણ મળ્યાં છે.
ન્યૂયોર્કમાં બુધવારે રાત્રે ક્વીન્સ વિસ્તારમાં નવા વર્ષની પાર્ટી દરમિયાન માસ શૂટિંગની ઘટના બની. મળતી માહિતી મુજબ, ફાયરિંગમાં 12 લોકો ઈજાગ્રસ્ત થયા. બંને હુમલાખોરો ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ રહ્યા. પોલીસ ન્યૂયોર્ક ફાયરિંગને લાસ વેગાસ અને ન્યૂ ઓર્લિયન્સની ઘટના સાથે જોડીને તપાસ કરી રહી છે.