ભારતે ઓસ્ટ્રેલિયા સામેની T-20 શ્રેણીની પ્રથમ મેચ 2 વિકેટથી જીતી લીધી છે. ટીમે 209 રનનો ટાર્ગેટ 20મી ઓવરમાં 8 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. T-20માં કાંગારૂ ટીમ સામે ભારતનો આ સૌથી મોટો રન ચેઝ છે. અગાઉ સૌથી સફળ રન ચેઝ 202/4 રન હતો. જે ભારતે 2013માં કર્યો હતો.
વિશાખાપટ્ટનમમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 3 વિકેટે 208 રન બનાવ્યા હતા. ટીમ વતી જોશ ઈંગ્લિશે સદી ફટકારી હતી. તેણે 50 બોલમાં 110 રનની ઇનિંગ રમી હતી. સ્ટીવ સ્મિથે અડધી સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશને અડધી સદી ફટકારી હતી.
209 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. માર્કસ સ્ટોઈનિસની પ્રથમ ઓવરમાં ઓપનર ઋતુરાજ ગાયકવાડ કોઈ બોલ રમ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. તે રન આઉટ થયો હતો.
આવી સ્થિતિમાં ઇશાન કિશન ટીમને આંચકામાંથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો જ્યારે ત્રીજી ઓવરમાં યશસ્વી જયસ્વાલ 21 રન બનાવીને આઉટ થયો હતો. અહીંથી ઈશાન કિશન અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે સાથે મળીને ઝડપથી રન બનાવ્યા હતા. બંનેએ શોન એબોટની ઓવરમાં 20 રન બનાવ્યા હતા. પાવરપ્લેમાં ટીમ ઈન્ડિયાએ બે વિકેટે 63 રન બનાવ્યા હતા.