બિહાર પબ્લિક સર્વિસ કમિશન (BPSC) ની 70મી પ્રારંભિક પરીક્ષા રદ કરવાની માગ સાથે ઉપવાસ પર બેઠેલા જન સૂરજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરને વહેલી સવારે પટના પોલીસ દ્વારા વિરોધ સ્થળ પરથી બળજબરીથી ઉપાડી લેવામાં આવ્યા હતા અને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
પોલીસ પ્રશાંત કિશોરને AIIMSમાં લઈ ગઈ છે. જન સૂરજ પાર્ટીનો આરોપ છે કે પોલીસે પ્રશાંત કિશોર સાથે અત્યાચાર કર્યો છે. પોલીસે તેમને લાફો માર્યો હતો. તેમને સ્થળ પરથી પટના AIIMSમાં લઈ જવામાં આવ્યા છે. તેઓને બીજા બધાથી અલગ કરી દીધા છે. પ્રશાંત કિશોરે કોઈપણ પ્રકારની સારવારનો ઈન્કાર કર્યો છે અને તેમના ઉપવાસ ચાલુ રાખ્યા છે. તે જ સમયે BPSC વિદ્યાર્થીઓને ઉશ્કેરવા બદલ મુઝફ્ફરપુર કોર્ટમાં પ્રશાંત વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ દરમિયાન પટના પોલીસ અને જન સૂરજ પાર્ટીના પ્રમુખ પ્રશાંત કિશોરના સમર્થકો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી.
પોલીસે પ્રશાંત કિશોરને કસ્ટડીમાં લેવાનો પ્રયાસ કરતાં જ સમર્થક વિદ્યાર્થીઓએ પ્રશાંત કિશોરને ઘેરી લીધા હતા. બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પરંતુ આખરે પોલીસે પ્રશાંત કિશોરને કસ્ટડીમાં લીધા હતા. વિદ્યાર્થીઓ અને પોલીસ દળ વચ્ચેની આ અથડામણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ દરમિયાન પોલીસે ગાંધી મેદાન બહાર આવતા વાહનોનું ચેકિંગ શરૂ કર્યું છે.