રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા સરકારી શાળાઓ અને આંગણવાડીઓમાં અભ્યાસ કરતા બાળકોનાં આરોગ્યની નિયમિત ચકાસણી થતી હોય છે. ગત વર્ષ 2024 દરમિયાન પણ આ ચકાસણી કરવામાં આવી હતી. જેમાં રાજકોટ જિલ્લામાંથી 366 બાળકોમાં અતિ ગંભીર રોગના લક્ષણો મળી આવ્યા હતા. જોકે, આ તમામ બાળકોને સુપર સ્પેશ્યાલિસ્ટ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.
32,128 બાળકોમાં આરોગ્યલક્ષી ખામીઓ જોવા મળી રાજકોટ જિલ્લા પંચાયતનાં આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર રાજકોટ જિલ્લાની સરકારી શાળાઓ અને આંગણવાડી ખાતે અભ્યાસ કરતા કુલ 3,50,631 જેટલા બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી કુલ 32,128 બાળકોમાં આરોગ્યલક્ષી ખામીઓ જોવા મળી હતી. આ પૈકી 31,762 સામાન્ય ખામીવાળા બાળકો હતા. જેમાંથી 25,349 બાળકોને સ્થળ ઉપર સારવાર આપવામાં આવી હતી. તો 6,778 બાળકોને સંસ્થાગત સારવાર અપાઈ હતી.
બાળકોને સુપર સ્પેશ્યાલીસ્ટ સારવાર માટે અમદાવાદ ખસેડ્યા જોકે, આ આરોગ્ય તપાસ દરમિયાન 366 બાળકોમાં અતિ ગંભીર બીમારી જોવા મળી હતી. જેમાં હૃદયની બીમારી સૌથી વધુ 116 બાળકોમાં સામે આવી હતી. આ ઉપરાંત પગની ખામીવાળા 65 બાળકો, આંખના પડદાની બીમારીવાળા 41 બાળકો, કેન્સરની બીમારી ધરાવતા 29 બાળકો, કિડનીનાં દર્દી 24 બાળકો તેમજ કરોડરજ્જુની બીમારીવાળા 14, ફાટેલ તાળવા વાળા 26 બાળકો, હાડકાની ખામીવાળા 10 અને જન્મથી મોતિયો હોય એવા 6 બાળકો જોવા મળ્યા હતા. જેને પગલે આ તમામ બાળકોને સુપર સ્પેશ્યાલીસ્ટ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.