અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહેલી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં સુરક્ષામાં ચૂક જોવા મળી. ભારત-ઓસ્ટ્રેલિયા મેચ દરમિયાન પેલેસ્ટાઈનનો એક સમર્થક અચાનક મેદાનમાં ઘુસી ગયો હતો. તે બેટિંગ કરી રહેલા વિરાટ કોહલીને બળજબરીથી ચોંટી પડ્યો હતો. મેચમાં પ્રવેશેલા યુવકે મોઢા પર માસ્ક અને ટી-શર્ટ પર 'આઝાદ પેલેસ્ટાઈન' લખેલું હતું.
તેના હાથમાં પેલેસ્ટાઈનનો ધ્વજ પણ હતો. જો કે ત્યાં હાજર સિક્યૉરિટીએ તેને તરત જ પકડી લીધો હતો. તેને પૂછપરછ માટે ચાંદખેડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. અહીં તેણે જણાવ્યું કે તે ઓસ્ટ્રેલિયાનો નાગરિક છે અને તેનું નામ જૉન છે. તે વિરાટ કોહલીને મળવા માગતો હતો અને પેલેસ્ટાઈનનું સમર્થન કરે છે. વિશ્વકપની ફાઈનલ જોવા માટે બોલિવૂડની હસ્તીઓ સહિત 1 લાખથી વધુ લોકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા છે.
કોહલીના ખભા પર હાથ મૂક્યો
પેલેસ્ટાઈન સમર્થકે વિરાટ કોહલીના ખભા પર હાથ પણ મૂક્યો હતો. આ પછી સુરક્ષા અધિકારીઓ તેને પકડવા માટે મેદાનમાં દોડતા જોવા મળ્યા હતા. આ ઘટના 14મી ઓવરના ત્રીજા બોલ પછી બની હતી. આ દરમિયાન પિચ પર કોહલી સાથે કેએલ રાહુલ રમી રહ્યો હતો.