જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં એલઓસી નજીકથી પકડાયેલા આતંકવાદી તબારક હુસૈને મોટી કબૂલાત કરી છે. તેણે કબૂલ્યું છે કે તેને પાકિસ્તાની સૈન્યના એક અધિકારીએ ભારતીય જવાનો પર હુમલો કરવા મોકલ્યો હતો અને આ કામ માટે તેને 30 હજાર રૂ.ની લાલચ અપાઇ હતી.
તેણે એમ પણ જણાવ્યું કે તેણે સૈન્યની પોસ્ટ પર ફિદાઇન હુમલાની પૂરી તૈયારી કરી લીધી હતી. તે એકલો નથી આવ્યો. તેની સાથે બીજા ચાર-પાંચ લોકો હતા, જેઓ મોટા હુમલાનું કાવતરું ઘડી રહ્યા હતા. તબારક ગત 21 ઓગસ્ટે નૌશેરા સેક્ટરમાં ઘૂસણખોરી કરતો પકડાયો હતો. સતર્ક સુરક્ષાદળોની તેના પર નજર પડતાં તેમણે તેને ગોળી મારી દીધી.
તે ઇજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ભાનમાં આવ્યા બાદ હોસ્પિટલમાં જ તેણે ઘટસ્ફોટ કર્યા છે. તેના કહેવા મુજબ આઇએસઆઇના કર્નલ ચૌધરી યુનુસે તેને એલઓસી પર ભારતીય સૈન્યની પોસ્ટની રેકી કરવાનું કામ સોંપ્યું હતું અને તેના બદલામાં 30 હજાર રૂ. આપ્યા હતા. ત્યાર બાદ 21 ઓગસ્ટે તેણે એક પોસ્ટ પર ફિદાઇન હુમલો કરવાનો હતો પણ ઘૂસણખોરી પહેલાં જ તે પકડાઇ ગયો. તેમને ચાર-પાંચ બંદૂક પણ અપાઇ હતી. ગોળી વાગ્યા બાદ તબારકે તેના સાથીઓને મદદ માટે બોલાવ્યા હતા પણ કોઇ ન આવ્યું.