હિમાલયની તળેટીમાં બે હજાર મીટરની ઊંચાઇ પર જે મંદિરમાં ભગવાન શિવ અને માતા પાર્વતીનાં લગ્ન થયાં હોવાની માન્યતા છે, તે મંદિર હવે ડેસ્ટિનેશન વેડિંગ માટે પ્રચલિત બન્યું છે. અહીં દર વર્ષે 200થી વધુ લગ્ન સમારોહનું આયોજન થાય છે. આ મંદિર ઉત્તરાખંડના રુદ્રપયાગ જિલ્લામાં છે.
કહેવાય છે કે છેલ્લા 3 યુગોથી અહીંનો અગ્નિ સતત પ્રજવલિત છે. માટે જ મંદિરનું નામ ત્રિયુગીનારાયણ છે. માન્યતા છે કે આ મંદિરમાં અગ્નિની સાક્ષીએ ફેરા ફરીને પતિ-પત્ની અનેક જન્મો સુધી એક થઇ જાય છે. ડેસ્ટિનેશન વેડિંગ કરાવતા પંકજ ગેરોલા જણાવે છે કે પહેલા આસપાસના ગામના લોકોનો લગ્ન સમારોહ યોજાતા હતા, પરંતુ અહીં વીડિયો શૂટ થયા બાદ 2015થી અચાનક દેશ-વિદેશથી યુગલો અહીં લગ્ન કરવા માટે આવે છે.
હવે અહીં લગ્ન માટે લાઇનો લાગી છે. તારીખ મળવી પણ મુશ્કેલ છે. ગત બુધવારે જ મંદિરમાં લગ્ન માટે ગુજરાત, મહારાષ્ટ્ર અને દેહરાદૂનથી પરિવાર આવ્યો હતો. અહીં 1 દિવસમાં 3 લગ્નનું આયોજન થાય તેટલી જ વ્યવસ્થા છે. માટે જ મંદિરના પૂજારી તેમજ લગ્ન સમારોહનું આયોજન કરનારા ગ્રામ્ય પરિવારોને આગામી તારીખોમાં લગ્નનું આયોજન કરવાની સલાહ આપે છે.
ત્રિયુગીનારાયણ જનવિકાસ મંદિર સમિતિના અધ્યક્ષ દિવાકર ગેરોલા અનુસાર, પહેલા અહીં બહારથી વેડિંગ પ્લાનર આવતા હતા. તેઓ કેટરિંગથી લઇને પુજારી પણ તેમની સાથે લાવતા હતા, પરંતુ હવે ગામની મહિલાઓ જ ગીતો ગાય છે. ગામના જ યુવાઓને કેટરિંગ તેમજ બેંડ-બાજાની તાલીમ અપાઇ રહી છે.