Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ અને જામનગરમાં આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપની જીતના વન-વેને પરસોત્તમ રૂપાલાના નિવેદને ડબલ ટ્રેક બનાવી દીધો છે. રવિવારે રાજકોટમાં ક્ષત્રિય સમાજના મહાસંમેલનથી ભાજપને ફાળ પડી છે. પરંતુ તેમ છતાં સૌરાષ્ટ્રની અન્ય ત્રણ બેઠક અમરેલી, જૂનાગઢ અને પોરબંદરમાં ક્ષત્રિય આંદોલન ચૂંટણી પરિણામ પર અસર કરે તેવી શક્યતા નહિવત્ દેખાઈ રહી છે. રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર રૂપાલાના અેક વિધાનથી થયેલો વિવાદ રાજ્યના સીમાડા વટાવી રાષ્ટ્રીયકક્ષા સુધી પહોંચ્યો છે. તેમ છતાં કોંગ્રેસની કરુણતા એ હતી કે, તેને રાજકોટમાં કોઈ ઉમેદવાર મળતા નહોતા. અગાઉ ચૂંટણી લડવા ઇનકાર કરનાર પરેશ ધાનાણી આખરે માની જતાં કોંગ્રેસે ધાનાણીના નામની ઉમેદવાર તરીકે સત્તાવાર જાહેરાત કરી છે, ત્યારે હવે ક્ષત્રિય આંદોલન વચ્ચે લેઉવા પટેલના ગઢ ગણાતા રાજકોટમાં કડવા પટેલ રૂપાલા માટે જીત સરળ નથી.


જ્યારે અમરેલીમાં રૂપાલા વિવાદથી નહીં પણ ત્રણ ટર્મથી ચૂંટાતા નારણ કાછડિયાની ટિકિટ કાપી જિલ્લા પંચાયતના પ્રમુખ ભરત સુતરિયાને આપવાનું ભાજપને ભારે પડી શકે છે. કારણ કે, અહીં કોંગ્રેસે પૂર્વ સાંસદ વીરજી ઠુંમરની પુત્રી જેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે. જે પ્રભાવી યુવા મહિલા નેતા તરીકે ઊભરી આવ્યા છે. લેઉવા પાટીદારોનો ગઢ ગણાતી આ બેઠક પર બંને પક્ષે લેઉવા પાટીદારને જ ટિકિટ ફાળવી છે પરંતુ અહીં ભાજપનો આંતરકલહ ચરમસીમાએ છે. ત્યારે 2009થી જીતતા ભાજપને મોદી લહેર જ તારી શકે છે. અન્યથા દરેક સ્થાનિક સમીકરણો કોંગ્રેસની જીતનો અણસાર આપે છે. જ્યારે પોરબંદરમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને જૂનાગઢમાં છેલ્લી બે ટર્મથી ચૂંટાતા રાજેશ ચુડાસમાની જીત સરળ દેખાઈ રહી છે, અહીં કોંગ્રેસ વેરવિખેર હોય ભાજપે જીત માટે નહીં જંગી લીડ માટે મહેનત કરવાની છે.