રાજ્યમાં આજે ઉત્તરાયણના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. તેની વચ્ચે પતંગની દોરીના કારણે પાંચ લોકોએ જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. તો અનેક લોકોના ગળા કપાતા સારવાર માટે ખસેડવાની ફરજ પડી છે. સવારથી જ અલગ અલગ શહેરોમાંથી ઈમરજન્સી ફરિયાદો મળતા 108 એમ્બ્યુલન્સ દોડતી રહી છે. રાત્રે 9 વાગ્યા સુધીમાં રાજ્યમાં 108ને 4256 ઈમરજન્સી કોલ મળી ચૂક્યા છે, ત્યારે આ અંકડામાં વધારો થવાની શક્યતા છે.
રાજ્યમાં મકરસંક્રાતિની ઉજવણી વચ્ચે પતંગની દોરીના કારણે જ ચાર લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. રાજકોટમાં પતંગની દોરીના કારણે એક બાઈકચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજો બનાવ સુરેન્દ્રનગરના પાટડીના ઓડુ ગામના ઈશ્વરભાઈ ઠાકોરનું પણ પતંગની દોરીના કારણે મોત નિપજ્યું હતું. ત્રીજો બનાવ હાલોલના રાહતલાવ ગામના 5 વર્ષીય કુણાલનું પતંગની દોરીથી ગળું કપાવાને કારણે મૃત્યુ થયું છે. પરેશભાઈ તેમના પુત્ર કુણાલને ટુ વ્હીલર પર બેસાડીને પનોરમા ચોકડી પાસે ફુગ્ગા ખરીદવા જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેમની આગળ પતંગની દોરી આવી ગઈ, જે આગળ બેઠેલા કુણાલના ગળામાં ભરાઈ ગઈ હતી. દોરી ઘસાવાથી બાળકનું ગળું ગંભીર રીતે કપાઈ ગયું હતું. ઈજાગ્રસ્ત કુણાલને તાત્કાલિક હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. ડૉક્ટરોએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી, પરંતુ ટૂંક સમયમાં જ બાળકનું મોત નીપજ્યું હતું. ચોથો બનાવ કડીના કસ્બા વિસ્તારમાં આવેલ વીજતાર પર પડેલી પતંગની દોરીને દૂર કરવા જતાં મહિલાને કરંટ લાગ્યો હતો. આ દરમિયાન મહિલાને બચાવવા ગયેલા ભાઇને કરંટ લાગતા કરુણ મોત નીપજ્યું છે.