14 જાન્યુઆરીના રોજ ગુજરાતનું આકાશ દિવસ દરમિયાન રંગબેરંગી પતંગોથી કલરફુલ બન્યું હતું, ત્યારે સમી સાંજે ગુજરાતીઓએ ફટાકડા ફોડી દિવાળી જેવો માહોલ ઉભો કર્યો હતો. અંધારૂ થતાની સાથે જ ભવ્ય આતશબાજીથી આકાશ ઝગમગી ઉઠ્યું હતું. તો બીજી તરફ 'રંગીલી રાધા' અને ત્રણ ત્રણ તાળી પડે જેવા ગીતો પર ગરબે ગૂમ્યા હતા તો 'બાલમ પિચકારી', જમાલ કુડૂ જેવા સોન્ગ પર ઠુમકા કરતા જોવા મળ્યા હતા. જોકે, એક તરફ ગુજરાતીઓએ ઉત્તરાયણની ઉત્સાહ ભેર ઉજવણી કરી હતી તો બીજી તરફ કેટલાક ઘરોમાં ઉત્તરાયણનો તહેવાર માતમમાં ફેરવાયો હતો. રાજ્યમાં પતંગની દોરી વાગવાથી એક મહિલા, એક બાળક સહિત કુલ છ લોકોના મોત નિપજ્યા છે.
સુરતના આકાશમાં રંગબેરંગી પતંગો ફંગોળાતા નજરે પડ્યા હતા. આ સાથે જ મકાનની છત પર પતંગ ચગાવવાની મોજ માણતા નજરે પડ્યા હતા. 'ઉડી ઉડી જાય', 'કાઈપો છે' અને 'બાલમ પિચકારી' જેવા સોન્ગ પર યુવા-યુવતીઓએ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. જ્યાં એક તરફ કટ્ટા અને લપેટના નાદ સાથે પતંગબાજીનો જોર હતું ત્યાં બીજી તરફ બોલિવૂડ સોન્ગ પર થતાં ડાન્સે ચારચાંદ લગાવી દીધા હતા.