રાજકોટ જિલ્લામાં આગ લાગવાની વધુ એક ઘટના સામે આવી હતી. જેમાં ઉપલેટા નજીક મરચા ભરેલા ટ્રેક્ટરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી સર્જાઇ હતી. મરચા સળગી ઉઠતા ત્યાંથી પસાર થતા લોકોની આંખોમાં બળતરા થવા લાગી હતી. આ દરમિયાન ડ્રાઈવરે ટ્રોલી ઉંચી કરી દેતા સદનસીબે મોટી દુર્ઘટના અને જાનહાની ટળી હતી. આગ લાગવાને કારણે ખેડૂતના રૂપિયા 4 લાખથી વધુનો મરચાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.
ખેડૂતને 4 લાખ જેટલુ નુકસાન
પ્રાપ્ત વિગત અનુસાર, કોલકી ગામના એક ખેડૂત મરચા વેચવા માર્કેટિંગયાર્ડ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન કોઈ વીજ વાયર અડકી જતા મરચાનાં જથ્થામાં આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાને પગલે સતર્ક થયેલા ડ્રાઇવરે ટ્રેક્ટરની ટ્રોલી ઉંચી કરી દેતા સળગતા મરચાનો જથ્થો રસ્તા પર આવી ગયો હતો. જેને પગલે આસપાસમાં રહેલા લોકોની આંખોમાં બળતરા થવા લાગી હતી. જોકે, ડ્રાઈવરની આ સતર્કતા સદનસીબે જાનહાનિ ટળી હતી. આ ઘટનામાં યાર્ડમાં વેચવાનો મરચાનો જથ્થો સંપૂર્ણપણે બળીને ખાખ થતા ખેડૂતને રૂ. 4 લાખ જેટલું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.